ગુજરાત કેડરના સિનિયર આઈપીએસનો દિલ્હીમાં દબદબો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, રાજકોટ રેન્જ આઈજી, વડોદરા પોલીસ કમિશનર અને પંચ મહાલ જિલ્લામાં પ્રસંશનીય ફરજ બજાવનાર મનોજ શશીધરને મહત્વનું પોસ્ટીંગ અપાયું
બોલીવુડ અભિનેતા સુશાંતસિંંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુની તટસ્થ તપાસ માટે રચાયેલી સિટમાં અધ્યક્ષ તરીકે મનોજ શશીધર નિમણુંક કરાઈ ‘તી
અજય ભટનાગરને સ્પેશ્યલ ડાયરેકટર, અનુરાગને એડિશનલ ડાયરેકટર અને શરદ અગ્રવાલને જોઈન્ટ ડાયરેકટર તરીકે એક વર્ષનું એકટેશન
ગુજરાત કેડરનાં સિનિયર આઈપીએસ મનોજ શશીધરને બઢતી સાથે સીબીઆઈના એડિશનલ ડીરેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે. અજય ભટનાગરને સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર, અનુરાગને એડિશનલ ડાયરેકટર અને શરદ અગ્રવાલને જોઈન્ટ ડાયરેકટર તરીકે એક વર્ષનું એકટેશન આપવામાં આવ્યું છે.
મુળ ગુજરાત કેડરનાં આઈપીએસ, પ્રવિણસિંહા નિવૃત થતા સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરનાં કાર્યદક્ષ સિનિયર આઈપીએસ મનોજ શશીધરને સીબીઆઈના એડિશનલ ડાયરેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. મનોજ શશીધરને પંચમહાલ જિલ્લા પોલીસ વડા, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, વડોદરા પોલીસ કમિશનર અને રાજકોટ રેન્જ આઈ.જી તરીકે પ્રસંશનીય ફરજ બજાવી છે. સારી લોકચાહના ધરાવતા મનોજ શશીધર કેન્દ્ર સરકારની ગુડ બુકમાં રહ્યા છે.
વડાપ્રધાનની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં માસ્ટરી ધરાવતા સિનિયર આઈપીએસ મનોજ શશીધરને બોલીવુડ અભિનેતા સુશાંતસિંંહ રાજપૂતના શંકાસ્પદ મોતની તટસ્થ તપાસ માટે રચવામાં આવેલી સિટના અધ્યક્ષ તરીકે પણ પ્રસંશનીય ફરજ બજાવી હતી. સ્વચ્છ છબી ધરાવતા મનોજ શશીધર 1994ની બેંચના આઈપીએસ અધિકારી છે.
દેશની મહત્વની ગણાતી બ્રાંચમાં ગુજરાત કેડરના સિનિયર આઈપીએસ એ.કે.શર્મા અને પ્રવિણસિંહા સહિતના કર્તવ્ય નિષ્ટ અને પ્રમાણીક અધિકારીઓએ પ્રસંશનીય ફરજ બજાવી છે. સીબીઆઈના એડિશનલ ડીરેકટર તરીકે ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશીધરને બઢતી સાથે અપાયેલી નિમણુંકથી સીબીઆઈમાં ગુજરાત કેડર આઈપીએસ અધિકારીઓનો દબદબો જળવાય રહ્યો છે.
મનોજ અગ્રવાલ ઉપરાંત સીબીઆઈમાં અજય ભટનાગરને સ્પેશ્યલ ડાયરેકટર, અનુરાગને એડિશનલ ડાયરેકટર તરીકે બઢતી સાથે નિમણુંક અપાઈ છે. જયારે શરદ અગ્રવાલને સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર તરીકે અકે વર્ષનું એકટેશન આપવામાં આવ્યું છે.