ઈદ પર્વ નિમિત્તે જ પાકિસ્તાનના એટીએમ મશીનો ખાલીખમ થઇ જતાં ભારે હાલાકી
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે. પાકિસ્તાન ટૂંક સમયમાં દેવાળિયું ફૂંકી દે તો પણ નવાઈ નહીં. હાલ પાકિસ્તાની સરકાર વિશ્વના દેશો પાસે મદદની ગુહાર લગાવી રહી છે ત્યારે હવે પાકિસ્તાની સરકાર તો ઠીક બેંકો પાસે પણ નાણાં ખૂટવા લાગ્યા છે તેવા અહેવાલો સામે આવ્યા છે. મુસ્લિમ દેશમાં ઈદ સૌથી મોટા તહેવારો પૈકી એક છે અને તે જ સમયે પાકિસ્તાની એટીએમમાં નાણાં ખૂટી ગયાં હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. લોકો ઈદની ઉજવણી માટે જયારે એટીએમમાં નાણાં ઉપાડવા જઈ રહ્યા છે ત્યારે ‘નો કેશ’ના બોર્ડર જોવા મળતા પાકિસ્તાની લોકો ભારે હાલાકીમાં સંપડાયા છે.
ઈદ અલ-અદહા પહેલા કરાચીના રહેવાસીઓ રોકડની કટોકટીનો સામનો કરી રહ્યા છે કારણ કે ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) માં રોકડની કમી થવા લાગી છે તેવું બુધવારે જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો હતો.
પાકિસ્તાનમાં 29 જૂન એટલે કે આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે કે ઈદ પહેલા એટીએમ સેવાઓ ઠપ થઈ ગઈ છે. આ સમસ્યાથી પરેશાન લોકોએ જણાવ્યું હતું કે, ઈદ પહેલા એટીએમમાં નાણાં ખૂટી પડ્યા છે. અમે આજ સવારથી ઘણી વખત એટીએમની મુલાકાત લીધી છે પરંતુ ત્યાં રોકડ નથી.