ભારતના વિકાસ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિએ મોદીની પ્રશંસા કરી: વેપાર નીતિ અંગે ચીનની કરી ટીકા
એશિયા પ્રવાસ દરમિયાન વિયેતનામ પહોંચેલા અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ભારતના શાનદાર વિકાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદીએ ભારતના લોકોને એકજુટ કર્યા છે. બીજી તરફ ચીનની કઠિન વેપારનીતિ અંગે ટ્રમ્પે ચીનની ટીકા કરી હતી.
તેમણે આગળ કહ્યું કે, કોઈપણ દેશ અમેરીકાનો ગેરલાભ નહીં ઉઠાવી શકે. એશિયા પેસિફિક ઈકોનોમિક કોર્પોરેશન (એપેક) સંમેલનની સાથે સાથે સીઈઓની બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે, ભારત આઝાદીની ૭૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક અબજથી વધુ વસતીવાળો દેશ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. તેમણે ભારતની વિકાસગાથા ઘણા લોકોને પ્રભાવિત કરતી હોવાનું પણ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વિકાસના કારણે ભારતીયો માટે તકો વધી છે. ઉલ્લેખનીય છે કે એપેકની બેઠકમાં જાપાન, રશિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફિલિપાઈન્સની રાજધાની મનિલા જશે ત્યાં તેઓ ઈન્ડિયાન-આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. ટ્રમ્પ પણ ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. ટૂંકમાં એશિયા પ્રવાસ દરમિયાન વિયેતનામ પહોંચેલા અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘મોદી ચાલીસા’નું ગાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ લોકોને એક જૂટ કર્યા છે. ભારતના વિકાસ મામલે મોદી પ્રશંસાને પાત્ર છે તેમ જણાવ્યું હતું.
અમેરીકા આંખો બંધ કરીને નહીં બેસી રહે
ચીનની વેપારનીતિ અંગે ટ્રમ્પે કહ્યું કે, અમેરીકા તેની આંખો બંધ કરીને બેસી નહીં રહે. બેઈજિંગથી રવાના થયાના થોડા કલાકો પછી જ તેમણે કહ્યું કે- ચીનની નીતિઓના કારણે અમેરિકાનો બેરોજગાર થઈ રહ્યા છે અમે એવું નહીં થવા દઈએ. અમે બરાબરી અને તર્કસંગત આધાર પર હરીફાઈ કરીશું.