ગુજરાતી રાજ્યસભાની 3 બેઠકો માટે ર4મી જુલાઇએ ચૂંટણી
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુરૂષોતમભાઇ રૂપાલા ઉપરાંત રામભાઇ મોકરિયા સૌરાષ્ટ્રના હોય, રાજય સરકારના મંત્રી મંડળમાં પણ સૌરાષ્ટ્રનું મજબૂત પ્રતિનિધિત્વ હોય હવે રાજયસભામાં સૌરાષ્ટ્રના કોઇ નેતાની પસંદગી શકયતા નહિવત હોય નીતિનભાઇ પટેલની સંભાવના વધુ
વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપીટ કરાશે: જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાના સ્થાને નવા ચહેરાને તક અપાશે
ગુજરાતની 3, બંગાળની 6 અને ગોવાની એક સહિત રાજયસભાની કુલ 10 બેઠકો માટે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ર4મી જુલાઇના રોજ ગુજરાતની ત્રણ સહિત ત્રણ રાજયની 10 બેઠકો માટે ચુંટણી યોજાશે ભાજપ રાજયસભાની ચુંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અથવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ બેમાંથી કોઇ એકને રાજ્યસભામાં લઇ જાય તેવી શક્યતા હાલ જણાઇ રહી છે. સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ હાલ રાજ્ય સભાના સાંસદ છે. જે પૈકી બે નેતાઓ કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોય આવામાં રાજ્ય સભાના ઉમેદવાર તરીકે વિજયભાઇ રૂપાણી કરતા નીતીનભાઇ પટેલની સંભાવના વધુ જણાઇ રહી છે.
ગુજરાતના રાજયસભાના સાંસદ અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાની મુદત આગામી 18મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. ગુજરાતની ત્રણ ઉપરાંત બંગાળની 6 અને ગોવાની એક બેઠક માટે ગઇકાલે ચુંટણી પંચ દ્વારા ચુંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા છે. આગામી 6 જુલાઇના રોજ ચુંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. 13મી જુલાઇ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 14મી જુલાઇના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 17મી જુલાઇ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ર4મી જુલાઇના રોજ સવારે 9 કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ધારાસભ્યો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
હાલ રાજયસભાની ત્રણેય બેઠકો ભાજપ પાસે છે અને વિધાનસભાની બેઠકો મુજબ ભાજપ પાસે જ આ બેઠકો રહેશે. જે બેઠકની ચુંટણી યોજવાની છે. તે બેઠક પર હાલ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયા સાંસદ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ભાજપ ત્રણ પૈકી એક ઉમેદવાર એસ. જયશંકરને રિપીટ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જયારે જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાને ફરી ટિકીટ આપવામાં આવે તેવી શકયતા એકદમ નહિવત છે.
હાલ ચાલતી ચર્ચા મુજબ ભાજપ બે બેઠકોના ઉમેદવાર બદલશે. રાજ્ય સભાના ઉમેદવાર માટે વિજયભાઇ રૂપાણી અને નીતીનભાઇ પટેલના નામની ચર્ચાઓ અત્યારથી જ થઇ રહી છે. આ બે પૈકી કોઇ એક નેતાને ભાજપ દિલ્હી લઇ જશે. તેવી સંભાવના જણાઇ રહી છે. વિજયભાઇ અગાઉ એક વખત રાજ્ય સભાના સાંસદ રહી ચુક્યા છે. આવામાં તેઓને ફરી ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિંવત છે. નીતનભાઇ પટેલ માટે મોટી તક રહેલી છે.
વિધાનસભાની ગત ચુંટણીમાં ભાજપનો રેકોર્ડ બ્રેક વિજય થયો છે. હાલ ભાજપ પાસે 156 બેઠકો છે આવામાં લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમીકરણો ગોઠવીને ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ગુજરાતના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રને સારૂ એવું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હોય આવામાં સૌરાષ્ટ્રમાંથી કોઇ નેતાને રાજયસભામાં લઇ જવામાં આવે તેવી સંભાવના જણાતી નથી. આ ઉપરાંત ડો. મનસુખભાઇ માંડવીયા, પુરૂષોતમભાઇ રૂપાલા અને રામભાઇ મોકરિયા સૌરાષ્ટ્રના નેતાઓ છે જે રાજયસભાના સભ્ય છે.
તમામ સમીકરણો પર નજર કરવામાં આવે તો રાજયસભાની ત્રણ બેઠકો પેૈકી ભાજપ એક ઉમેદવારને રીપીટ કરશે જયારે બે બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી કોઇ નેતાની રાજયસભાના ઉમેદવાર તરકે પસંદગી કરવામાં આવે તેવી શકયતા હાલ જણાતી નથી.
રાજયસભાની ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાય તેવી સંભાવના છે. કારણ કે હાલ ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સભ્ય સંખ્યાબળ છે. આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોનું પણ ભાજપને સમર્થન છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે અને આપ પાસે પાંચ ધારાસભ્યો રાજ્યસભાની ચુંંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ 10 ધારાસભ્યોનું સમર્થન મળવું જરુરી છે. ફોર્મમાં 10 ધારાસભ્યની સહી હોવી જોઇએ જો કોંગ્રેસ હાર નિશ્ર્ચીત હોવા છતાં રાજયસભાની ચુંટણીમાં ઝંપલાવે તો એક જ બેઠક પણ ઉમેદવાર ઉભો રાખી શકે, જો આપનું સમર્થન મળે તો બે ઉમેદવારો ઉભા રાખી શકે. પરંતુ હાલની શકયતા જોતા એવું લાગતું નથી કે રાજયસભાની 3 બેઠકો માટે મતદાન કરવાની આવશ્યકતા ઉભી થાય ભાજપના તમામ ઉમેદવારો બિનહરિફ ચુંટાઇ આવે તેવી શકયતા જણાય રહી છે.ગુજરાતની ત્રણ ઉપરાંત બંગાળની છ બેઠકો અને ગોવાની એક બેઠક માટે ચુંટણી યોજાશે.