માનસિક બિમારી ધરાવતી તરૂણીની લાશ નદીના ખાડામાંથી મળી આવી: ફોરેન્સિક પોસ્ટમર્ટમ
સુરેન્દ્રનગરમાં રહેતી સગીરા બે દિવસથી લાપતા થયા બાદ તેનો મૃતદેહ નદીના ખાડામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માનસિક રીતે બીમારી તરુણી ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી આવતા પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં વેલનાથ સોસાયટી પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ આધોરજિયાની 13 વર્ષની માસૂમ પુત્રી કાજલ આધોરજયા શુક્રવારથી ઘરેથી લાપતા થઈ ગઈ હતી. ત્યાર બાદ પરિવારજનોએ શોધખોળ કરી પોલીસમાં જાણ કરી હતી.
પરંતુ બે દિવસ વીતી જવા છતાં સગીરાની કોઈ ભાળ મળી ન હતી. પરંતુ આખરે પોલીસને સુરેન્દ્રનગર ભોગાવો નદીના ખાડામાંથી એક મૃતદેહ મળ્યો હતો. જેની તપાસ કરતા તે લાશ કાજલની હોવાનું જાણવા મળતાં પોલીસે પરિવારજનોને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કાજલ એકભાઈ એક બહેનમાં નાની હતી અને નાનપણથી જ તેં માસિક બીમારીથી પીડાતી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.