સૌરાષ્ટ્રમાં નોંધાયેલા 15957માંથી 15694 ઉમેદવાર હાજર રહ્યા: 98.35 ટકા હાજરી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ જિલ્લામાં ટાટ માધ્યમિકની મેઈન્સની પરીક્ષા રવિવારે લેવામાં આવી હતી. સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાંથી ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપવા આવ્યા હતા. સવારે અને બપોરે એમ બે સેશનમાં લેવાયેલી આ પરીક્ષામાં કુલ નોંધાયેલા 15957માંથી 15694 ઉમેદવાર હાજર રહ્યા હતા એટલે કે 98.35 ટકા હાજરી રહી હતી જ્યારે માત્ર 263 ઉમેદવાર જ ગેરહાજર રહ્યા હતા. સમગ્ર રાજ્યભરમાં 60 હજાર જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.રાજકોટમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાતા તેની સામે કોપીકેસ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પરીક્ષામાં બે પેપર લેવાયા હતા જેમાં પેપર-1 ભાષા ક્ષમતાનું 100 ગુણનું સવારે 10.30થી 1 વાગ્યા દરમિયાન લેવાયું હતું. જ્યારે 100 ગુણનું પેપર-2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું બપોરના 3થી 6 વાગ્યા દરમિયાન લેવાયું હતું. શહેરની સાધુ વાસવાણી સ્કૂલના કેન્દ્રમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો જેની સામે બ્લોક સુપરવાઈઝરે જરૂરી કાર્યવાહી કરી હતી. જોકે તે વિદ્યાર્થીને બપોરનું બીજું પેપર આપવા દેવાયું હતું. અન્ય કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હતી.
રાજકોટમાં 15957 ઉમેદવાર આ પરીક્ષા આપવાના હોય 58 કેન્દ્ર અને 460 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના ઉમેદવારોને પણ રાજકોટમાં કેન્દ્ર ફાળવાયું હતું. રાજ્યમાં રાજકોટ ઉપરાંત પાંચ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટમાં 15957 સહિત રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારો ટાટ મેઈન્સની પરીક્ષા આપવાના હતા. જેમાં સૌથી વધુ ઉમેદવારો ગુજરાતી માધ્યમના હતા.