કૃષિમંત્રી રાઘવજી પટેલે વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઇને નુકશાનીનો તાગ મેળવ્યો
ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે આ કુદરતી આફતના કારણે બાગાયતી પાક લેતા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે મંત્રી રાઘવજીભાઈ પટેલે નખત્રાણા, માંડવી, મુન્દ્રા તથા અંજાર તાલુકામા બાગાયતી પાક લેતા ખેડૂતો તેમજ પશુપાલકોને મળ્યા હતા. મંત્રીએ ખેડૂતો તેમજ પશુપાલકો સાથે સીધો સંવાદ કરીને તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવાની ખાતરી સાથે નુકસાનગ્રસ્ત વધુમાં વધુ વૃક્ષો- છોડને પુનર્જીવત કરવા માટે પણ સરકાર પ્રયાસ કરશે એવું જણાવ્યું હતું. તેમજ કચ્છની ખેતી તેમજ પશુપાલકોને થયેલ નુકસાનીનો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીને ખેડૂતોને વધુમાં વધુ સહાય અપાય તેવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા મોનિટરિંગ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આગોતરા આયોજન થકી ચક્રવાતમાં નજીવું નુકશાન થયું છે. ચક્રવાત બાદ જનજીવન પુન:ધબકતું કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે પશુમૃત્યુના કેસમાં પાંચ પશુપાલકોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ખેડૂતોને થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો.
ભુજપુર ખાતે મંત્રીએ મુન્દ્રા તાલુકાના ખેડૂતો સાથે બેઠક કરી હતી જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં ખારેકના ઝાડને થયેલા નુકસાન અંગેની જાણકારી મેળવી હતી, તેમજ પડી ગયેલા ખારેકના ઝાડોનો વહેલામાં વહેલી તકે કઈ રીતે નિકાલ કરી શકાય તેમજ ખેડૂતોને ઝડપથી બેઠા કરવા શું કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં પાંજરાપોળને થયેલા નુકસાન અંગે પણ સંચાલકોએ રજૂઆત કરી હતી. આ સાથે ખેડૂતોએ ખારેકના મધર પ્લાન્ટના ટીશ્યુ રોપા વહેલામાં વહેલી તકે ખેડૂતોને મળી રહે તો તે ઝડપથી બેઠા થઈ શકે અને આ કામગીરીમાં સરકાર સહયોગ આપે તે અંગે રજૂઆત કરી હતી.
બેઠકમાં મંત્રીએ ખેડૂતોને ધરપત આપતા જણાવ્યું હતું કે, સમગ્ર તારાજીનો તેઓએ રૂબરૂ ચિતાર મેળવ્યો છે ત્યારે કચ્છના બાગાયતી પાકોને થયેલા નુકસાન અંગેનો અહેવાલ તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરશે અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. તેમણે ખેડૂતોની ખમીરીને બિરદાવતા આ કપરી પરિસ્થિતિમાં ધીરજ જાળવી સરકારના પ્રયત્નોમાં સહયોગ આપવા રાખવા માટે અપીલ કરી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોને રાજ્ય સરકાર તમામ પ્રકારે સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.
મંત્રીની સાથે જાત નિરીક્ષણમાં પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુનીબેન ઠાકર ,બાગાયત વિભાગના નિયામક પી.એમ. બગાસિયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે પ્રજાપતિ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, કચ્છ પશુપાલન વિભાગ તેમજ બાગાયત વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા.