સુરતમાં આજરોજ ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરો ગૂંગળાયાની ઘટના સામે આવી છે જેમાં સફાઈ કામદારોને સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં શ્રમિકોને ગટરમાં પ્રતિબંધ હોવા છતાં ઉતારવામાં આવ્યા છે. આ બન્ને મજૂરોની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના ઉધના વિસ્તારની છે જ્યાં સીટી ઇન્ડસ્ટ્રીયલમાં બે મજૂરો ગટર સાફ-સફાઈ કરવા ઉતાર્યા હતા. ડ્રેનેજ લાઈનમાં સાફ સફાઈ કરતી વખત બંને મજૂરો ગુંગળાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી મજુરોને બહાર કઢાયા હતા.
ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 વર્ષીય મિલન અને દિનેશ નામના બન્ને મજુરને બહાર કાઢવામાં આવ્યા હતા. બન્નેને 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મજૂરોની હાલત ગંભીર જણાતા વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે.
સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ગટરમાં કામદારને ઉતારવા મનાઈ
સન ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટના અધિનિયમ મુજબ ગટરમાં સફાઈ કામગીરી માટે સફાઈ કામદારને ભૂગર્ભ ગટરમાં ઉતારવા માટે મનાઈ હુકમ ફરમાવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારે પણ ૧૧-૭-૨૦૧૯ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી આઉટ સોર્સિંગથી કરવામાં આવતી હોય તો એજન્સીના બિલની ચુકવણી કરતા પહેલા અધિકૃત કરાયેલા અધિકારી કે કર્મચારીની ઉપસ્થિતિ આવશ્યક છે.