કુવાડવા બાદ રૂડા ટ્રાન્સપોર્ટનગરને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા ટોળકીથી લોકોમાં ફફડાટ : સીસીટીવી ફૂટેજમાં છ શખ્સો દેખાયા
બે કારખાનાની ગ્રીલ તોડી રૂ.૧.૬૫ લાખની ચોરી કર્યાની નોધાઇ ફરિયાદ
કુવાડવામાં થોડા દિવસ પૂર્વે જ કારખાનાઓમાં અને મંદિરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી.તેમજ એક મકાનમાં દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.ત્યારે વધુ એક વખત કુવાડવાના નવાગામમાં આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા પાંચ કારખાનામાં મોડી રાત્રે છ જેટલા તસ્કર ચડ્ડી બનિયાન પહેરી ત્રાટકી હતી. અને તાળા તોડી રૂ.1.65 લાખની તસ્કરી કરતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ,એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા અનિલભાઈ હરસુખભાઈ સખીયા એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતાના અંજના ડીસ્ટ્રીબયુશન હાઉસ નામના કારખાનામાંથી ગ્રીલ તોડી કારખાનાની અંદર આવેલ ઓફીસના ટેબલમાં રાખેલ રોકડા રૂ.૯૦ હજાર,ગુજરાત ટ્રેડર્સ વાળા અલી અસગરભાઇ શાકીરભાઇ ત્રવાડીના કારખાનામાંથી રોકડા રૂ.૭૫ હજાર,કુમાર એજન્સીના નીલેશભાઇ મોહનભાઇ પટેલના કારખાનામાં,રીયલ એજન્સીજ વાળા યશભાઇ મહેશભાઇ કાનાબારના કારખામાં અને ગુજરાત ટ્રેડીંગ કારખાના વાળા શ્રેયભાઇ અનુપભાઇ શાહના કારખાનામાં શટર ઉંચુ કરી ઓફીસમાં રાખેલ ટેબલના ખાનાઓમાં સામાન વેર વીખેર કરી કુલ મુદામાલ રૂ.165 લાખની તસ્કરી કરી હતી.
આ મામલે કુવાડવા પોલીસ મથકમાંથી જાણવા મળી રહ્યું હતું કે આ તસ્કર ઓળખી દ્વારા મોડી રાતે બંધ કારખાનાઓમાં તસ્કરી માટે પડી અને રોકડ તેમજ કિંમતી માલ ચોરી લેવામાં આવે છે. સમગ્ર બનાવ અંગે કારખાનાઓના સીસીટીવી ફૂટેજ જોવામાં આવતા તેમાં ચડ્ડી અને બનિયાનધારી છ જેટલા શખ્સો દેખાયા હતા.આ ટોળકીએ એક જ રાતમાં અલગ અલગ પાંચ જેટલા કારખાનાઓમાં ચોરી કરતા આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
આ પહેલા બામણબોર અને રાણપુરમાં થયેલી લૂટમાં કુવાડવા પોલીસને આરોપીઓના સીસીટીવી ફુટેજ પણ મળ્યા હતા. પરંતુ કોઈ ફાયદો થયો નથી. બેફામ બનેલી ચડ્ડી બનીયાનધારી ટોળકીએ સમયાંતરે રાજકોટના છેવાડાના વિસ્તારોમાં પોલીસના કોઈ પણ ભય વગર ત્રાટકી સમગ્ર પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકયો છે. એટલુ જ નહી લોકોનો ડર દુર કરવા પોલીસ માટે પણ આ ટોળકીને તત્કાળ ઝડપી લેવાનું દબાણ ઉભું થયું છે.