પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા ખંભાળીયા અને લાલપુરના શખ્સની ધરપકડ
પડધરી પોલીસે કારમાં પોલીસનું બોર્ડ લગાડી નિકળેલા અને પોલીસ તરીકે રોફ જમાવતા ખંભાળીયા અને લાલપુરના શખ્સને ઝડપી લઈ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યારે તપાસ કરતા બંને આરોપીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની વિગતો મુજબ પડધરી પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં હતી ત્યારે બસ સ્ટેન્ડની સામે પહોંચતા એક કાર જોવા મળી હતી. જેમાં પોલીસનું બોર્ડ લગાડેલું હતું. એટલુ જ નહી બે શખ્સોમાં જયેશ માંડણભાઈ પીંડારીયા (ઉ.વ.35, 2હે.નાગરપારો શેરી નં-1, ખંભાળીયા) અને મોહિત ભીખાભાઈ ખરા (રહે. વડપાંચેસરા તા.લાલપુર) પોલીસ તરીકે રૂઆબ છાંટતા જોવા મળતા બંનેની અટકાયત કર્યા બાદ આઈપીસી કલમ 171 અને 114 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ પીએચસી એટલે કે પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે,બંને આરોપીઓ પાસેથી પોલીસે કાર અને પોલીસનું બોર્ડ પણ કબ્જે લીધું હતું.