ગોડાઉનમાં સ્પાર્ક થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાક
આગ લાગી તે વેળાએ શો રૂમ અને ગોડાઉનમાં 50 થી 60 લોકો કામ કરી રહ્યા હતા: સમય સૂચકતાથી તમામને સહી સલામત ખસેડી લેવાયા
ધારાસભ્ય રમેશ ટીલાળા, ફાયર ચીફ ઓફિસર આઇ.વી.ખેર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
શહેરના અશોક ગાર્ડન નજીક રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ફાયર ફાઈટરની ત્રણ કલાકની જહેમત અને 10-12 બંબામાંથી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, અંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ હતી કે, એક કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. શોર્ટ સર્કિટ બાદ તણખલો ફોર્મ સીટ પર પડતાં આગ લાગી હતી અને તે સમયે કારખાનામાં અંદાજિત 50 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તમામ લોકોને કારખાનાની બહાર કાઢી આગ બુઝાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ વિકરાળ સ્વરૂપના હિસાબે તુરંત ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યા હતા.હાલ 60થી 70 લાખનું નુકસાન પહોંચ્યું છે. જો આગ પર કાબૂ મેળવ્યા બાદ નુકસાનીનો અંદાજ લગાવી શકાશે.
ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવા માટે વધુ સેમિનાર હાથ ધરવામાં આવશે: રમેશભાઈ ટીલાળા
અશોક ગાર્ડન પાસે ફર્નિચરના શોરૂમમાં ભીષણ આગ લાગતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ લાગ્યાની ખબર મળતા હું તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાજકમલ સ્ટીલ કંપનીમાં આગ લાગતા લાખોને નુકસાન થયું છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ ફાયર વિભાગ દ્વારા પણ આગ ઠારવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. ઔધોગિક એકમોમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપયોગ કરવા માટે કર્મચારીઓમાં વધુને વધુ જાગૃતતા આવે તે માટે સેમિનાર આયોજન કરવામાં આવશે જેથી અઘટિત ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો: ફાયર ચીફ ઓફિસર આઈ.વી.ખેર
અબતક સાથેની વાતચીતમાં ફાયર ચીફ ઓફિસર આઈ.વી.ખેરે જણાવ્યું હતું કે, આજે મવડી આનંદ બંગલા ચોક પાસે રાજકમલ સ્ટીલ ફર્નિચરમાં અમને આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. આથી તાત્કાલિક મવડી ફાયર સ્ટેશનથી ગાડી મોકલી હતી. બાદમાં વધુ ધૂમાડા દેખાતા વધુ ગાડી બોલાવી હતી. આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. આગ હાલ કંટ્રોલમાં છે. માત્ર ટોપ ફ્લોર પર આગ છે જે બૂઝાવવામાં આવી રહી છે. ત્રણ કલાકની જહેમત અને 10-12 બંબાથી પાણીનો મારો ચલવવામાં આવ્યો હતો.
આગ લાગતાં કામ કરતા કર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા: રાજેશભાઈ પરસાણા
અબતક સાથેની વાતચીતમાં શોરૂમના માલિક રાજેશભાઈ પરસાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ફર્નિચરના ગોડાઉનમાં વર્કરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જો કે સદનસીબે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતા તમામ લોકો સુરક્ષિત છે. હાલ કોઈ જાનહાનિ પહોંચી નથી. કંપનીમાં 60 લોકો કામ કરે છે અને તમામ સુરક્ષિત છે. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે. ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓના વાહનો પણ આવ્યા છે. ત્રણથી ચાર ટુવ્હિલર
બળીને ખાખ થઈ ગયા છે. આગ વધુ પ્રસરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. જો કે, ફાયર વિભાગ દ્વારા આગ બૂઝાવવાની કામગીરી કરી હતી.ભીષણ આગને કારણે આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે. જો કે, પોલીસ દ્વારા લોકોને આગથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. ગોડાઉનમાં ફર્નિચરની વસ્તુઓ હોવાથી વધુ પ્રસરી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.