લારીએ નાસ્તા કરવા મુદે છરીના ઘા ઝીંકી યુવકનું ઢીમઢાળી દીધું તુ
ત્રણ શખ્સોને શંકાનો લાભ: જયારે સામા પક્ષે હત્યાની કોશિશમાં એકનો છૂટકારો
શહેરમાં કુવાડવા રોડ બગીચા પાસે નાસ્તાની લારીએ નાસ્તો કરવા મુદ્દે યુવક ઉપર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવવાના ગુનામાં અદાલતે બે આરોપીને તકસીરવાન ઠરાવ્યો છે જ્યારે અન્ય ત્રણ આરોપી અને ક્રોસ ફરિયાદમાં એક આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ગંગેશ્વર રોડ ઉપર આવેલા બેડીપરામાં રહેતો બાબુ આંબાભાઈ મકવાણા નામનો યુવાન પોતાના મિત્ર સંજય સાથે કુવાડવા રોડ ઉપર આવેલા બગીચા પાસે નાસ્તો કરવા ગયો હતો ત્યારે નાસ્તો કરવા મૂદે આરોપી સંજય નાનજી મિયાત્રા, હિરેન ઉર્ફે ભીખો ભોગીલાલ વિરાણી, રવિ ઉર્ફે દુડી ભરતભાઈ ગોહિલ, કિશન સુરેશભાઈ હાપલિયા અને અજય મેણંદ આહીર નામના શખ્સોએ ઝઘડો કર્યો હતો ઝઘડામાં ઉશ્કેરાયેલા સંજય મિયાત્રા અને હિરેન ઉર્ફે ભીખો મીરાણીએ છરી વડે હુમલો કરી બાબુ મકવાણાને છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પુત્રના હત્યારા વિરુદ્ધ આંબાભાઈ બચુભાઇ મકવાણાએ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જ્યારે ક્રોસ ફરિયાદમાં મૃતક બાબુ મકવાણાના ભાઈ કિટા આંબાભાઈ મકવાણા વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ બાબુ મકવાણાની હત્યા નિપજાવવાના ગુનામાં આરોપી સંજય મિયાત્રા અને હિરેન ઉર્ફે ભીખો મીરાણી કોર્ટે તકસીરવાન ઠરાવ્યો છે જ્યારે અન્ય ત્રણ આરોપી રવિ ઉર્ફે દુડી ગોહેલ, કિશન હાપલીયા અને અજય આહીરને શંકાનો લાભ આપી મુક્ત કર્યા છે. જ્યારે હત્યાની કોશિષની ક્રોસ ફરિયાદમાં કીટા મકવાણાને પણ શંકાનો લાભ આપી મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સ્મિતાબેન અત્રી રોકાયા હતા
રામનાથ મહાદેવ મંદિર નજીક
શ્રાવણીયા મેળાના આયોજક પર હુમલો કરનાર બેલડીને સાત વર્ષની સજા
અડચણ રૂપ પલંગ હટાવવાના પ્રશ્ર્ને છરી વડે હુમલો કર્યો તો: બે મહિલાને શંકાનો લાભ
શહેરના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદીરના મેળામાં આયોજક ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં બે મહિલા આરોપીને શંકાનો લાભ અને બે આરોપીને 7 વર્ષની સખત કેદની સજા તથા દરેક આરોપીને રૂા.પ હજારનો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજા તેમજ તમામ રકમ ઈજા પામનાર ફરીયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રામનાથ પરા મેઈન રોડ ઉપર રહેતા ફરીયાદી જતીન ઉર્ફે ભાવેશ શશીકાંતભાઈ મહેતા વર્ષ 2017 માં રામનાથ મહાદેવના મંદીર પાસે આવેલ સુખનાથ મહાદેવના મંદીર નજીક શ્રાવણ માસનો મેળો ભરાતો હોય જેની વ્યવસ્થામા કાર્યકરો સાથે હાજર હતા ત્યારે આરોપી શબાનાબેન, તેના પતિ નાસીરભાઈ અને સદામભાઈએ મેળામા આવતા જતા લોકોને અડચણરૂપ થાય તે રીતે પોતાના પલંગ રાખી રમકડા વેચવાનો ધંધો કરતા હોવાથી પલંગ સાઈડમા લઈ લેવા અને આવતા જતા માણસોને રસ્તામા અડચણરૂપ ન થાય તે રીતે રાખવા ફરીયાદીએ જણાવેલ જેનો ખાર રાખી મેળાની વ્યવસ્થા દરમ્યાન બપોરના અરસામા આરોપીઓ શબાના બેન, તેના માતા જુબેદાબેન, શબાનાબેનના પતિ નાસીરભાઈ અને જુબેદાબેનનો દીકરો સદામએ અમારા પલંગ કેમ દુર લેવડાવતા હતા તેવુ કહી ગાળો ભાંડી છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે હુમલાખોર વિરુદ્ધ એ ” ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદના આધારે આરોપી જબેદાબેન બોદુભાઈ નોયડા, શબાનાબેન નાસીરભાઈ લોયરા, સદામ રહીમભાઈ હોથી, નાસીર દાદુભાઈ સુમરાની ધરપકડ કરી અદાલત સમક્ષ ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે કેસ સેશન્સ અદાલત સમક્ષ ચાલવામા આવતા બન્ને પક્ષોની રજુઆત અને દલીલો બાદ કોર્ટે આરોપી જુબેદાબેન બોદભાઈ નોયડા અને શબાનાબેન નાસીરભાઈ લોયરાને શંકાનો લાભ આપી છોડી મુકવા જયારે આરોપી સદામ રહીમભાઈ હોથી અને નાસીર દાદુભાઈ સુમરાને 7 વર્ષની સખત કેદની સજા તથા દરેક આરોપીને રૂા.પ હજારનો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજા તેમજ તમામ રકમ ઈજા પામનાર ફરીયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદ પક્ષે એ.પી.પી. સ્મીતાબેન એન. અત્રી તેમજ મુળ ફરીયાદી જતીન ઉર્ફે ભાવેશ મહેતા વતી એડવોકેટ ભુવનેશ એલ. શાહી અને નિશાંત એમ. જોષી રોકાયા હતા.