બિપરજોય વાવાઝોડાને કારણે આઠ દિવસ સૌની યોજનાના પાણી બંધ રખાયા બાદ ફરી શરૂ કરી દેવાયા
ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાય તો રાજકોટવાસીઓએ પાણી હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં 630 એમસીએફટી વધારાનું પાણી ઠાલવવાનું મંજૂર કર્યું હતું. જે ચાલુ માસના આરંભથી શરૂ પણ કરી દેવાયું હતું પરંતુ બિપરજોય વાવાઝોડાના કારણે વિજળીના ધાંધીયા સર્જાવાથી છેલ્લા એક સપ્તાહથી નર્મદાના નીર આજીમાં ઠાલવવાનું બંધ કરી દેવાયું હતું. જે ગઇકાલથી ફરી શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આ વર્ષે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અલગ-અલગ તબક્કામાં સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં 1710 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 1130 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું. ગત સપ્તાહે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાની સર્જાઇ હતી. વિજ વિક્ષેપના કારણે ગત 13 જૂનથી નર્મદાના નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન સ્થિતિ થાળે પડતા ગઇકાલથી ફરી નર્મદાના નીર શરૂ કરવામાં આવ્યા છે.
29 ફૂટે ઓવરફ્લો થતા આજી ડેમની સપાટી 20.50 ફૂટે પહોંચી છે અને ડેમમાં 432 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ અંદાજે 15 જુલાઇ સુધી ચાલે તેમ છે. જો સમયસર વરસાદ પડશે અને ડેમમાં માતબર પાણીની આવક થશે તો ગમે ત્યારે સૌની યોજનાના પાણી લેવાનું બંધ કરી દેવામાં આવશે. હજુ સરકાર પાસેથી 650થી વધુ એમસીએફટી પાણી લેવાનું બાકી છે. 31 ઓગસ્ટ સુધીનું આયોજન કરી હાલ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.