આખરે ચૂંટણીના પડઘમ વાગ્યા…

ટિચીંગની પાંચ ફેકલ્ટી જયારે યુનિવર્સીટી અંતર્ગત માધ્યમિક શાળાઓના નોંધાયેલા બે શિક્ષકો અને બે આચાર્યની આગામી 22 જુલાઈએ ચૂંટણી યોજાશે: પાંચ જિલ્લામાં મતદાન મથક

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કે જેમાં છેલ્લા 1 વર્ષથી સેનેટની ચૂંટણી માટે દાવેદારો મીટ માંડીને બેઠા હતા. આખરે ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇતિહાસમાં પ્રથમ વખત સેનેટની મુદત પૂર્ણ થયાના એક વર્ષ બાદ ચૂંટણી યોજવા જઈ રહી છે. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. વિવાદ વચ્ચે હવે યુનિવર્સિટીની ટીચિંગમાં ગ્રામવિદ્યા શાખાની 1, ગૃહવિદ્યા શાખાની 1, હોમિયોપેથીની 1, આર્કિટેક્ચરની 1, પરફોર્મિંગ આર્ટસની 1, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળાઓના નોંધાયેલા શિક્ષકોની 2 અને આચાર્યની 2 એમ કુલ 9 બેઠક માટે સેનેટની ચૂંટણી યોજાશે.

આમ તો યુનિવર્સીટીમાં ચૂંટણી જાહેર થઇ એ જ ખુબ મોટી વાત છે. બે જૂથ વચ્ચેનો વિવાદ અનેક રાગદ્વેષના કારણે ચૂંટણી મૂલતવી હતી. જો કે પૂર્વ સિન્ડિકેટ સભ્યો હાઇકોર્ટમાં રિટ કરતા હવે રહી રહીને ચૂંટણીના પડઘમ વાગ્યા છે.

ત્રણ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યની સેનેટ સભ્ય તરીકે નિમણૂક કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજાની પસંદગી કરવામાં આવી હતી. જોકે હજુ સરકાર નિયુક્ત 12 સેનેટ સભ્ય જાહેર કરવામાં આવ્યા નથી તેના પર સૌ કોઈની નજર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોમાં મતદાન મથકો ફાળવાયા છે જેમાં રાજકોટની એમ.વી.એમ મહિલા કોલેજ, કાલાવડ રોડ, મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજ, નજરબાગ, જામનગરની ડી. કે. વી કોલેજ, પંડિત નેહરુ માર્ગ, સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને અમરેલીની કમાણી સાયન્સ કોલેજ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજમાં મતદાન થશે.

જુથવાદના ભોરીંગાના કારણે ચૂંટણી પણ હવે તબક્કાવાર!!

સતત વિવાદોથી ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ હવે સેનેટ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાઈકૉર્ટમાં આજે હીયરીંગ હોય જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ચૂંટણી જાહેર કરવાનું બતાવશે. ગત 22 મે 2022ના રોજ સેનેટ સભ્યોની મુદત પૂર્ણ થતા હવે 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયા બાદ ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેમાં પણ એવી ફેકલ્ટીની ચૂંટણી જાહેર કરી છે જેમાં મતદારો ઓછા હોય અને બેઠકો બિનહરીફ થાય છે.

જૂથવાદને કારણે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અનેક વાદ વિવાદમાં આવી છે તે સૌ કોઈ જાણે છે ત્યારે હવે હાઇકોર્ટે યુનિવર્સીટીને આડે હાથ લેતા આજે હીયરીંગમાં જવાબ દેવાનો હોવાથી ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ ચૂંટણી પણ બે જૂથના વિવાદને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત તબક્કાવાર યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડૉ. ભીમાણી આવ્યા બાદ પણ નિર્ધારિત સમયમાં સેનેટની ચૂંટણી નહીં થતા આ મુદ્દે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.