પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદ મળતા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ પાણીચું પકડાવી દીધું
વિધાનસભાની ચૂંટણી લડવાના અભરખા સાથે કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લેનાર વશરામ સાગઠીયા હવે ન ઘરના રહ્યા છે કે ન ઘાટના કારણ કે તેઓને આજે આમ આદમી પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગત વર્ષે વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ કોંગ્રેસનો પંજો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું હતું. તેઓ ‘આપ’ના ઉમેદવાર તરીકે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી વશરામ સાગઠીયાની કામગીરી સામે સતત ફરિયાદો ઉઠી રહી હતી. દરમિયાન આજે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ તેઓને આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ સહિત તમામ પદ પરથી બરતરફ કર્યા છે. જેમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે તેઓ વિરૂધ્ધ કેટલાક કાર્યકર્તાઓ દ્વારા એવી ફરિયાદ પણ મળી છે કે સાગઠીયા સતત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રદેશ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા એવું ફલીત થયું હતું કે ખરેખર સાગઠીયા પાર્ટી વિરૂધ્ધ કામ કરી રહ્યા છે. શિસ્તભંગના પગલાના ભાગરૂપે પાર્ટીના તમામ પદ પરથી વશરામ સાગઠીયાને સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ સાગઠીયાએ પક્ષ પલ્ટો કર્યો છે. જેની સામે પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ હાઇકોર્ટ અરજી દાખલ કરી હતી. શહેરી વિકાસ વિભાગ દ્વારા સાગઠીયાને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ કેસ હજુ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જેનો ચુકાદો આવે તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વશરામ સાગઠીયાની હકાંલપટ્ટી કરતા તેની સ્થિતિ હવે ન ઘરના કે ન ઘાટ જેવી થઇ ગઇ છે.