વેસ્ટ ગેઇટ પ્લસ બિલ્ડીંગમાં કુલ્ચા ક્યુઝીન, કિસાનપરા ચોકમાં યુએસ પીઝા, ચાય સુટ્ટા બાર, સાસુજી કા ધાબા, કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં બાર્બીક્યુ નેશન અને પુષ્કરધામ મેઇન રોડ પર રામ ઔર શ્યામ – 055 રેસ્ટોરા કાફેમાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યા: કોકો ફીટ, પઝીફા, મામા રેસ્ટોરન્ટ, સપના મલ્ટી કુઝીન રેસ્ટોરન્ટ, ગાયત્રી યાદવ મદ્રાસ કાફે, દાનાપાની, સદ્ગુરૂ રેસ્ટોરન્ટ અને ટી સ્ટ્રીટને નોટિસ ફટકારાઇ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નામી ખાણીપીણીની દુકાનો અને હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં થોકબંધ અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નમુના પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે વેસ્ટ ગેઇટ પ્લસ બિલ્ડીંગમાં આવેલી હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુલ્ચા, કૂઝીંનમાં 7 કિલો અખાદ્ય કઠોળનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. કોકો ફીટ અને પઝીફાને પણ હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત અહિં બર્ગર શિંગ, ધ રોયલ બાઇટ, ડેરી ડેન, ગોકલી પીઝામાં પણ ચેકીંગ કરાયું હતું. કિસાનપરા ચોકથી મહિલા કોલેજ ચોક સુધીના વિસ્તારમાં યુ.એસ.પીઝા (શુભમ એન્ટરપ્રાઇઝ)માં 5 લીટર વાસી સુપનો નાશ કરાયો હતો. જ્યારે ચાય સુટ્ટાબારમાં ત્રણ કિલો વિવિધ પ્રકારના એક્સપાયરી ડેઇટ વિતી ગયેલા સોસનો નાશ કરાયો હતો.
સાસુ કા ઢાબામાં ચાર કિલો વાસી અને અખાદ્ય પ્રીપેડ ફૂડનો નાશ કરવામાં આવ્યો હતો. મામા રેસ્ટોરન્ટ, સપનાં મલ્ટી કૂઝીન રેસ્ટોરન્ટ, ગાયત્રી યાદવ મદ્રાસ કાફે, દાનાપાની, સદ્ગુરૂ રેસ્ટોરન્ટ, ટી સ્ટ્રીટમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં ત્રીજા માળે આવેલા બાર્બીક્યુ નેશનમાં ચેકીંગ દરમિયાન છ કિલો વાસી ફૂડ મળી આવ્યું હતું. જેનો નાશ કરાયો હતો. જ્યારે પુષ્કરધામ મેઇન રોડ રામ ઔર શ્યામ ગોલા અને 055 રેસ્ટોરન્ટ કાફેમાં પાંચ કિલો માવા મલાઇ મિશ્રણનો નાશ કરાયો હતો. નાનામવા રોડ પર ભીમનગર ચોકમાં આવેલા બાલાજી પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતા પેઢીમાં વેંચાણ અર્થે રાખવામાં આવેલા કશીશ બ્રાન્ચ મરચા પાવડરનો નમૂનો લીધા બાદ બાકી રહેલા 10 કિલો મરચા પાવડર પર ઉત્પાદક નામ, સરનામા કે લાયસન્સ નંબર લખવામાં આવ્યા ન હોય તેનો નાશ કરવામાં આવ્યો હતો.
પ્રોટીન પાવડર, મસાલા ગુંદી, વઘારેલા પૌવા, મીઠી ચટણી અને મરચા પાવડરનો નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં સત્ય નારાયણ શેરી નં.2માં ધારેશ્ર્વર કૃપામાં આવેલા હિરવા હેલ્થ કેરમાંથી પ્રોટી હીર પ્રોટીન પાવડર, કોટેચા ચોકમાં નિર્મલા રોડ મારૂતિ કોમર્શિયલ બિલ્ડીંગમાં આવેલા શ્રીહરિ નમકીન એન્ડ સ્વીટ્સમાંથી મસાલા ગુંદી અને વઘારેલા પૌવા ઉપરાંત મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે ભીમનગર ચોકમાં બાલાજી પ્રોવિઝન સ્ટોર્સમાંથી કશીશ લાલ મરચા પાવડરનો નમૂનો લેવાયો હતો.