દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એફબીઆઈ સાથે હાથ ધરેલા એક ઓપરેશનમાં ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે જેણે યુએસ નાગરિકો પાસેથી નાણાં પડાવી લેતી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. રેકેટના વધુ બે સભ્યો યુએસ અને કેનેડામાં પકડાયા હતા, જેની સાથે ધરપકડની સંખ્યા છ થઈ ગઈ છે. આ રેકેટે પીડિતો પાસેથી આશરે 20 મિલિયન ડોલરની(આશરે રૂ. 160 કરોડ)ઉચાપત કરી હોવાનો અંદાજ છે.

એફબીઆઈએ લગભગ 50 પીડિતોની મુલાકાત લીધી હતી અને દિલ્હી પોલીસે તેમાંથી બે સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. સ્પેશિયલ કમિશનર એચજીએસ ધાલીવાલના જણાવ્યા અનુસાર શંકાસ્પદ લોકો ઉત્તમ ધિલ્લોન તરીકેની ઓળખ આપતાં હતા, જેઓ જાણીતા અમેરિકન એટર્ની અને ભૂતપૂર્વ કાયદા અમલીકરણ અધિકારી હતા, જેમણે ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઈએ)ના કાર્યકારી વહીવટકર્તા તરીકે સેવા આપી હતી.  ધિલ્લોનની આગેવાની હેઠળના ડીઇએ એજન્ટ તરીકે દર્શાવીને રેકેટએ પીડિતોને ડ્રગ હેરફેર અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના બનાવટી કેસોમાં ધરપકડની ધમકી આપીને ફસાવ્યા હતા.

મુખ્ય શંકાસ્પદની ઓળખ પશ્ચિમ દિલ્હીના જનકપુરીના વત્સલ મહેતા તરીકે કરવામાં આવી છે. તેનો સાથી અમદાવાદનો પાર્થ અરમારકર છે, તેવું વિશેષ સીપી ધાલીવાલે જણાવ્યું હતું. એફબીઆઈ સાથે ધાલીવાલની ટીમનું આ ત્રીજું ઓપરેશન છે. તેઓએ અગાઉ પશ્ચિમ દિલ્હીમાંથી પણ આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. વોન્ટેડ ગેંગસ્ટર દીપક બોક્સરને પણ એફબીઆઈની મદદથી મેક્સિકોમાંથી પકડવામાં આવ્યો હતો. લેટેસ્ટ રેકેટ દિલ્હી અને યુગાન્ડાની બહાર ઓપરેટ થયું હતું. મહેતા અને અરમારકર ઉપરાંત અન્ય બે – દીપક અરોરા અને પ્રશાંત કુમાર અન્ય સ્થળોએથી ગેંગ માટે કામ કરતા હતા. કાયદા અમલીકરણ એજન્સીઓને ચકમો આપવા માટે શંકાસ્પદ યુગાન્ડા અને ભારત વચ્ચે પ્રવાસ કર્યો હતો.

શંકાસ્પદ લોકોએ ધિલ્લોન તરીકેની ઓળખ આપીને પીડિતોનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમને બાળ પોર્નોગ્રાફી અથવા ડ્રગ હેરફેરમાં સંડોવતા ગુનાખોર વીડિયો અને પુરાવા મળ્યા છે. પીડિતો ધિલ્લોનનું નામ ગૂગલમાં સર્ચ કરીને આ તત્વોનો વિશ્વાસ કરી લેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.