સળંગ પાંચ દિવસના મિની વેકેશન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ: માર્કેટીંગ યાર્ડમાં પણ જણસીની હરાજી
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં શાળા-કોલેજો, યુનિવર્સિટી અને માર્કેટીંગ યાર્ડ સળંગ પાંચ દિવસ સુધી બંધ રહ્યા હતા. દરમિયાન આજથી શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થઇ જવા પામ્યુ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ પણ આજથી ફરી ધમધમવા લાગ્યા છે.
બિપરજોય વાવાઝોડાની વ્યાપક અસરો સૌરાષ્ટ્ર-કચ્છમાં જોવા મળી હતી. જેના કારણે બુધવાર અને ગુરૂવારે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યા હતા. દરમિયાન વાવાઝોડા બાદ પડેલા ભારે વરસાદના કારણે વધુ બે દિવસ શુક્રવાર અને શનિવારે પણ શાળા-કોલેજો તથા યુનિવર્સિટી બંધ રાખવામાં આવી હતી. ગઇકાલે રવિવારની રજા હતી. શૈક્ષણિક કાર્યની સાથો સાથે સલામતી અને જગતાતને આર્થિક નુકશાની ન થાય તે માટે માર્કેટીંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવ્યા હતા. વાવાઝોડા અને વરસાદની આફત ટળતા આજથી ફરી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓનો કલરવ ગુંજી ઉઠ્યો હતો. યાર્ડમાં પણ હરાજી શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડા અને વરસાદના કારણે આવક ઓછી થઇ જવાના કારણે શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા હતા. હવે ધંધા-રોજગાર અને શૈક્ષણિક કાર્ય થાળે પડી રહ્યા છે.