નીટમાં 720 માંથી 668 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા લેવલે 3107મો ક્રમાંક મેળવ્યો
બતક, પ્રદીપ ઠાકર, અમરેલીઅમરેલી:શનિવાર: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર થયેલા મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET ના પરિણામમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામના વતની અને હાલ સુરતમાં અભ્યાસ કરતા યશ નરેશભાઈ ટાપણીયાએ 720 માંથી 668 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા લેવલે 3107મો ક્રમાંક મેળવી ઝળહળતો દેખાવ કર્યો છે. ઓ.બી.સી. કેટેગરીમાં તેણે દેશભરમાં 968મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. 99.84 પર્સન્ટાઈલ સાથે નીટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી પરિવાર, તાતણીયા ગામ અને વાટલિયા પ્રજાપતિ સમાજ સહિત અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ટ્યુશન વિના માત્ર સેલ્ફ સ્ટડીથી તેણે આ જ્વલંત સિદ્ધિ મેળવી છે. સુરતના વરાછાની પી.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થી યશ ટાપણીયાના પિતા નરેશભાઈ એમ્બ્રોઇડરી જોબવર્ક કરે છે, જ્યારે તેના દાદા સાદુળભાઈ વતન તાતણીયા ગામે ખેતી કરે છે. તેના માતા સ્વ.હર્ષાબેનનું વર્ષ 2021માં કેન્સરની બિમારીના કારણે અવસાન થયું હતું. સુરતના કતારગામમાં સંયુક્ત કુટુંબમાં રહેતા યશે આયોજનપૂર્વકની સખ્ત મહેનત કરી ધો.12 સાયન્સમાં 87.53 ટકા અને 99.78 પર્સન્ટાઈલ તેમજ ગુજકેટમાં 120 માંથી 105.25 માર્ક્સ મેળવ્યા હતા.
ડોક્ટર બની સ્વ.માતાના સપનાને સાકાર કરશે યશ
નાનપણથી જ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો દ્રઢ સંકલ્પ ધરાવતા 18 વર્ષીય યશે જણાવ્યું કે, મારા સ્વ.માતા હર્ષાબેન મને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા, હવે હું તેમના સ્વપ્નને પૂરૂ કરી શકીશ. હવે નાગપુર એઈમ્સ અથવા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન મેળવીશ.
તેણે કહ્યું કે, ધો.11 સાયન્સથી જ પી.પી.સવાણી વિદ્યાભવન (વરાછા, સુરત)ના શિક્ષકોના સતત માર્ગદર્શન, આગવી અભ્યાસ પદ્ધતિથી નીટ એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી હતી. સ્કુલમાં લેવાતી મોક ટેસ્ટથી આત્મવિશ્વાસ વધ્યો હતો. NCERTના પુસ્તકોની શોર્ટનોટ્સ ખૂબ કામ લાગી. ફૂલપ્રૂફ તૈયારી માટે સામાજિક પ્રસંગોમાં જવાનું બંધ કર્યું હતું. સતત અભ્યાસની વચ્ચે હળવાશ અને મનોરંજન માટે ક્યારેક મોબાઈલ ગેમ રમી લેતો હતો. રોજના 8 કલાક વાંચનથી ધાર્યા મુજબની સફળતા મળી છે….