ફાધર્સ ડે ની ઉજવણી કરીને આવ્યા બાદ મોડી રાત્રીના ગેલેરીમાંથી પડી જતાં કરુણાંતિકા સર્જાઇ
રાજકોટના પોષ વિસ્તાર એવા જાગનાથ પ્લોટમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા છાત્રનું પાચમાં માળેથી પડી જતાં કરુણ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જાગનાથ પ્લોટમાં આદિનાથ એપાર્ટમેન્ટમાં ૫૦૨ ફ્લેટમાં રહેતા હર્ષ અતુલભાઈ થાનકી નામના ૧૮ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું પાચમાં માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. આ અંગે જાણ થતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હર્ષ થાનકી એવિપિટી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો. તેના પિતા અતુલભાઈ થાનકી રાજેશ્રી થિયેટર સામે ભાડે હોટલ રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે ફાધર્સ ડે પર હર્ષ, માતા કોમલબેન અને ભાઈ સાથે પિતાની હોટલ પર સેલિબ્રેટ કરવા માટે ગયા હતા.
જ્યાંથી મોડી રાત્રીના હર્ષ અને પરિવારજનો ઘરે પરત આવ્યા હતા. ત્યાર બાદ અંદાજિત ત્રણ વાગ્યાની આસપાસ એન્જિનિયર છાત્ર નિંદ્રા અવસ્થામાં બાલ્કનીમાં આવ્યો હતો જ્યાંથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેની જાણ એપાર્ટમેન્ટના ચોકીદારને થતાં તેને તુરંત પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ હર્ષ અભ્યાસમાં પણ હોશિયાર હતો અને બે ભાઇમાં મોટો હતો. હર્ષના આકસ્મીક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.