ડીએચ કોલેજના કેમ્પસમાં બેસતી કચેરીઓ 2 દિવસ વાવાઝોડાની અસરને પગલે બંધ રહ્યા બાદ છેલ્લા બે દિવસથી કનેક્શનના લોચા
રાજકોટ શહેરની પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા 4 દિવસથી કામગીરી ઠપ્પ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેને પગલે દસ્તાવેજ નોંધણી માટે આવનાર અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર બીપરજોય વાવાઝોડાને કારણે રાજકોટ જિલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ તા.14 અને તા.15ના રોજ બંધ રાખવામાં આવી હતી. આ મામલે મદદનીશ નોંધણી સર નિરીક્ષક અજયકુમાર ચારેલ દ્વારા બે દિવસ રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તા.14 અને તા.15ના રોજ કચેરીઓ બંધ રહેતા તા.16થી એપોઇન્ટમેન્ટ રિસેડ્યુલ કરવામાં આવશે.
જો કે ડીએચ કોલેજ કેમ્પસમાં બેસતી ઝોન-3 માધાપર, ઝોન-4 રૈયા, ઝોન-5 મોટા મવા, ઝોન-6 મવડી, ઝોન -7 કોઠારીયા સબ રજીસ્ટ્રાર કચેરી આ તમામ કચેરીમાં ગઈકાલથી કનેક્ટિવિટીના ઇસ્યુ રહેતા કામગીરી ખોરવાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી અહીં દસ્તાવેજની કામગીરી સંપૂર્ણ રિતે અટકી ગઈ છે.
દસ્તાવેજ નોંધણી માટે અનેક અરજદારો જે વાવાઝોડાની અસરને પગલે કચેરીઓ બે દિવસ બંધ રહ્યા બાદ ગઈકાલના ધક્કા ખાઈ રહ્યા છે. પણ કનેક્ટિવિટીના કારણે આ નોંધણી થઈ શકી નથી. જેને પરિણામે અરજદારોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે.
વોલ્ટેજમાં વધ ઘટ થતા કચેરીઓમાં ઉપકરણો બળી ગયા મળતી માહિતી અનુસાર સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પાવરના વોલ્ટેજમાં વધ ઘટ થવાથી 8 રાઉટર અને એડપટર સહિતના ઉપકરણો બળી ગયા હતા. જેના કારણે કનેક્ટિવિટીની સમસ્યા ઉદભવી છે.પરિણામે કચેરીઓની કામગીરી પણ ઠપ્પ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.