ક્રિષ્ના અને ગૂંતુર બેઠક ઉપર અંબાતી રાયડુ લોકસભા ચૂંટણી લડે તેવું અનુમાન
શાનદાર જીત અને આઇપીએલ 2023 ના ખિતાબ સાથે તેના પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દીનો અંત કરનાર અંબાતી રાયડુ ગુરુવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને મળ્યા હતા. આંધ્રપ્રદેશ તરફથી લાંબા સમય સુધી ઘરેલુ ક્રિકેટમાં રમી ચૂકેલા પૂર્વ દિગ્ગજ બેટ્સમેને તાજેતરમાં જીતેલી આઆઇપીએલ ટ્રોફી પણ રાજ્યના મુખ્યમંત્રીની સામે રાખી હતી, જેના માટે સીએમ રેડ્ડીએ તેમને અભિનંદન પાઠવ્યા. આ બેઠકે રાયડુના રાજકારણમાં પ્રવેશના સમાચારને વેગ આપ્યો છે.આંધ્રપ્રદેશના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. એવી અટકળો ચાલી રહી છે કે રાયડુ ટૂંક સમયમાં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી શકે છે. તાજેતરના સમયમાં સીએમ સાથે તેમની આ બીજી મુલાકાત છે.
રાયડુ આગમી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં તેલંગાણાથી લડે તેવી શક્યતા છે. રાયડુ કોંગ્રેસ પક્ષ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે. એટલુંજ નહીં આંધ્રની ક્રિષ્ના અથવા ગૂંતુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ છે. આ બેઠકમાં હૈદરાબાદના પરા વિસ્તારનો સમાવેશ થાય છે અને આંધ્રપ્રદેશના મોટાભાગના મતદારોને આવરી લેતી બેઠક છે. રાયડુ આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લાનો મૂળ નિવાસી છે પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. રાયડુ રાજકારણમાં રસ ધરાવે છે .
તેલંગાણા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન અને રાયડુ વચ્ચે વાટાઘાટ પણ ચાલી રહી હોવાનું સૂત્રએ જણાવ્યું હતું. અગાઉ રાયડુએ ગત મહિને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ રાયડુએ ટ્વીટ કરીને જગન મોહન રેડ્ડીના વખાણ પણ કર્યા હતા. જો કે રાયડુએ હાલ ક્યા પક્ષમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.