પોક્સો હેઠળ નોંધાતા કેસો પૈકી 88%માં યુવક – યુવતીની
સહસંમતિથી સંબંધ બંધાય છે : રિપોર્ટ
રાજસ્થાનમાં એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક 16 વર્ષીય સગીરાને એકાએક પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરા સગર્ભા હોવાનું સામે આવ્યું હતું. આ કિસ્સામાં ગર્ભપાત શક્ય ન હતું કારણ કે, ગર્ભપાતનો સમય વીતી ગયો હતો. સગીરાએ બાળકને જન્મ પણ આપી દીધો. સમગ્ર મામલામાં પોલીસે ફરિયાદ નોંધી હતી કારણ કે, બાળકને જન્મ આપનારી યુવતી સગીરા હતી અને આ બનાવ પોક્સો હેઠળની કલમમાં સમાવેશ થતો હતો. મામલામાં પોલીસે સગીરાનું નિવેદન નોંધ્યું હતું જેમાં સગીરાએ આ સંબંધને સહસંમતિ સાથેનો સંબંધ ગણાવ્યો હતો. સમગ્ર મામલો અદાલત સુધી પહોંચતા કોર્ટે આ સંબંધને સહસંમતિ સાથેના સંબંધ ગણીને ફરિયાદ રદ્દ કરી હતી. આ બનાવ ઉપરથી એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, સહસંમતિ સાથેના શારીરિક સંબંધ માટેની ઉંમર શું ગણવી?
ભારતમાં 18 વર્ષની વયે યુવતીને પુખ્ત ગણવામાં આવે છે પણ 18 વર્ષની નીચેની સગીરા તેની સહમતીથી શારીરિક સંબંધ બનાવે તો તેને પોક્સો હેઠળ અપરાધ માનવામાં આવે છે અને પુરુષ પાત્રને દોષિત ગણવામાં આવે છે. કારણ કે, પોક્સોની જોગવાઈ હેઠળ કાયદામાં આપવામાં આવેલી પુખ્ત વયની વ્યાખ્યામાં ન આવતી સગીરાને શારીરિક સંબંધ બાંધવા અંગે નિર્ણય લેવાની સભાનતા ન હોય તેવું માનવામાં આવે છે. જેના લીધે પોક્સો એક્ટ હેઠળની ફરિયાદોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે.
તાજેતરના રિપોર્ટ અનુસાર પોક્સો હેઠળ નોંધાતા કેસોમાં 88% કેસોમાં સગીરા પુરુષ પાત્ર સાથે તેની સહમતીથી સંબંધમાં હોય છે. ત્યારે કર્ણાટક હાઇકોર્ટ, દિલ્લી હાઇકોર્ટ, મેઘાલય હાઇકોર્ટે સહસંમતિથી બાંધતા શારીરિક સંબંધ માટેની ઉંમર ઘટાડવાનો મત વ્યક્ત કર્યો હતો. ડિસેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે પણ સહસંમતિથી બંધાતા શારીરિક સંબંધ માટેની ઉંમર પર પુનઃ વિચારણા કરવા માટે સૂચન આપ્યું હતું.
જેની સામે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, પોક્સો એક્ટમાં સગીરાની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે ધ મેજોરિટી એકર,1875 હેઠળ કરવામાં આવી છે જે બદલવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જો કે, હવે જે રીતે ઝડપથી સમાજ વ્યવસ્થા બદલાઈ રહી છે તે મુજબ વિશ્વના અનેક દેશોમાં શારીરિક સંબંધ બાંધવા માટેની ઉંમર ભારત કરતા ઓછી છે. ઉલ્લેખનીય છે કે, નાઈજીરીયામાં આ ઉંમર ફકત 11 વર્ષ છે. ત્યારે શું ભારતમાં સહસંમતિથી બંધાતા શારીરિક સંબંધ માટેની ઉંમર બદલવાની જરૂરિયાત છે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે.