રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં તડા જોવા મળી રહ્યા છે. એક તરફ ગહેલોત જૂથ તો બીજી તરફ પાયલોટ જૂથ બંનેની ખુરશી માટેની લડાઈ ચરમશીમાએ પહોંચી છે. કોંગ્રેસનો આ ઘરનો કજીયો છેલ્લા ઘણા સમયથી જાહેર થઈ ગયો છે બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ પણ રાજસ્થાનમાં પંજાબવાળી થતા અટકાવવા ભરપૂર પ્રયાસો કરી રહી છે. પરંતુ આ પ્રયાસો મહદઅંશે નિષ્ફળ નિવડી રહ્યા છે. તેવામાં ગહેલોત સરકાર મતદારોને રિઝવવા નત નવીન પેતરા અજમાવી રહી છે.
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા પ્રદેશની ગેહલોત સરકાર જનતાને લોભાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી છે. આ યોજના મોબાઈલ અંગે છે, જેના હેઠળ મહિલાઓ પોતાની પસંદનો મોબાઈલ ખરીદી શકશે. સીએમ ગેહલોતે કહ્યુ કે સરકાર ઓગસ્ટમાં રક્ષાબંધન નિમિત્તે આ યોજના શરૂ કરશે. અમે મહિલાઓને સ્માર્ટફોનના બદલે એક નક્કી રકમ આપીશુ.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ, સરકાર એક જ પ્રકારનો મોબાઈલ આપી શકે છે પરંતુ બજારમાં ઘણા પ્રકારના મોબાઈલ છે તેથી અમે લોકોને વિકલ્પ આપીશુ કે તમે જાઓ પોતાની પસંદનો ફોન ખરીદો, એક નક્કી રકમ સરકાર આપશે. થોડા દિવસ પહેલા અશોક ગેહલોતે કહ્યુ હતુ કે અમે ફ્રી માં સ્માર્ટફોન આપીશુ જેમાં તમને 3 વર્ષ સુધી ફ્રી ઈન્ટરનેટ મળશે. ગેહલોતે બજેટ 2021માં રાજસ્થાનની 1.35 કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાનું એલાન કર્યુ હતુ. થોડા સમય પહેલા તેમણે આ વર્ષે 30 ઓગસ્ટે રક્ષાબંધનથી તબક્કાવાર રીતે સ્માર્ટફોન આપવાની વાત પણ કહી ચૂક્યા છે.
મુખ્યમંત્રી ગેહલોતે વધુમાં આ યોજના વિશે કહ્યુ કે મોબાઈલ એક એવી બાબત છે, જેને તમે બજારમાં ખરીદવા જશો તો તમને પોતાની પસંદનો મળી જશે. જેમ કે કેટલા જીબીનો મોબાઈલ ખરીદવાનો છે… કઈ બ્રાન્ડ તમને પસંદ છે જેને તમે ખરીદવા ઈચ્છો છો. કયુ મોડલ ખરીદવુ છે. સીએમે કહ્યુ, અમે કંપનીઓ સાથે આ બાબતે વાત કરી રહ્યા છીએ. કંપનીઓ મોંઘવારી રાહત શિબિર જેવા કાઉન્ટર સ્થાપિત કરે અને લોકોને વિકલ્પ આપે. સ્માર્ટફોન આપવાનો હેતુ મહિલા સશક્તિકરણ છે.