યુવક પાસેથી 29 લાખના 25 લાખ ઉઘરાવ્યા છતાં વધુ વ્યાજ પડાવવા માટે હેરાન કરતા બે સામે નોંધાતો ગુનો
શહેરમાં વ્યાજખોરો ફરી સક્રિય થયા હોઇ તેમ લોકોને હેરાન પરેશાન કરી ફરી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. જેમાં મંગળવારે ત્રણ વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ દેતા યુવાને આપઘાતની કોશિશ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યાં સતત બીજા દિવસે વધુ એક યુવાનને બે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.મળતી માહિતી મુજબ, આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-2માં રહેતા રાહુલ પરેશભાઇ માલણ નામના યુવાને વ્યાજખોર હરેશ મુંધવા અને અશોક સુવા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, મિત્રને 11 મહિના પૂર્વે નાણાંની જરૂરિયાત ઊભી થતા તેને પોતાની પાસે બે લાખ માગ્યા હતા, પરંતુ પોતાની પાસે પૈસા ન હોય વ્યાજખોર હરેશ મુંધવા પાસેથી 10 ટકાના વ્યાજે બે લાખ રૂપિયા લઇ આપ્યા હતા. મિત્ર વ્યાજની રકમ પોતાને આપતો બાદમાં તે રકમ પોતે હરેશ મુંધવાને આપતો હતો. ત્યાર બાદ પોતાને ઇમિટેશનનો ધંધો કરવો હોય હરેશ મુંધવા પાસેથી પાંચ ટકાના વ્યાજથી રૂ.10 લાખ લીધા હતા. જેનું પોતે મહિને રૂ.50 હજારનું વ્યાજ ચૂકવતો હતો.
બાદમાં હરેશ પાસેથી 15 ટકાના વ્યાજે કટકે કટકે રૂ.13.50 લાખ લીધા હતા જ્યારે બીજા વ્યાજખોર અશોક સુવા પાસેથી ત્રણ તબક્કે રૂ.3 લાખ લીધા હતા. આમ બંને પાસેથી કુલ 29 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે બંનેને કુલ રૂ.25 લાખનું વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં ધંધો સરખો નહિ ચાલતા ધંધો બંધ કરવો પડ્યો હતો. જેને કારણે પોતે બંને વ્યાજખોરને વ્યાજની રકમ ચૂકવી શકતો ન હતો. ત્યારે હરેશ મુંધવા પોતાને રૂ.36 લાખ અને અશોક સુવા રૂ.4.50 લાખની વધુ માગણી કરી પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ દેતા હોય પોતે બંનેથી બચવા ભાગતો ફરતો હતો.
દરમિયાન ચાર દિવસ પહેલા હરેશ મુંધવા અને અશોક સુવાએ આજી ડેમ ચોકડી પાસે આવેલા શ્રીરામ પાર્ક-1 પાસે હતો ત્યારે બંનેનો ભેટો થઇ ગયો હતો. ત્યારે બંનેએ કહ્યું, તારે જે કરવું હોય તે કર અમને અમારા પૈસા આપ, પૈસા આપી ન શકે તો વ્યાજ ચૂકવતો જા. જેથી પોતાને પૈસા ચૂકવવા થોડો સમય આપવાની વાત કરતા બંને ઉશ્કેરાય ગયા હતા અને કહ્યું કે, તારું મકાન વેચીને પણ પૈસા આપજે, તું પૈસા અને વ્યાજ નહિ ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો. જેથી તેને આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.