હાલાર-દ્વારકા જિલ્લામાં વાવાઝોડાને કારણે
632 વિજ પોલ તેમજ 19 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થવાના કારણે વિજ તંત્રને 1 કરોડ 23 લાખનું નુકસાન
હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર રવિવારથી જોવા મળી હતી, અને બન્ને જિલ્લાના 375 ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવન ને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. 341 ગામમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ગયો છે, જ્યારે 34 ગામોમાં સમારકામ ની પ્રક્રિયા ચાલી રહી છે. 4 દિવસ દરમિયાન કુલ 612 વિજ થાંભલાઓ પડી ગયા છે, જ્યારે 19 વિજ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થયા છે જેના કારણે 1 કરોડ 23 લાખની નુકસાની થઈ છે.
વિજ તંત્ર દ્વારા ગત રવિવારે સાંજથી જ તોફાની પવનના કારણે થયેલી નુકસાની ની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને યુદ્ધના ધોરણે સમારકામની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારબાદ આજ ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો, સતત 4 દિવસથી તોફાની વંટોળિયો પવન ફૂંકાઇ રહ્યો છે, અને અનેક વિજ પોલ ભાંગી ગયા હતા.
હાલારના બંને જિલ્લામાં કુલ 375 ગામોમાં વિજ વિક્ષેપ સર્જાયો હતો જે પૈકી 341 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત બની ગયો છે, જ્યારે હજુ 34 ગામોમાં સમાર કામની પ્રક્રિયા ચાલી રહી છે. બંને જિલ્લામાં 632 વિજ ફીડરો ઇફેક્ટેડ થયા હતા, જે પૈકી 304 ફીડર કાર્યરત થઈ ગયા છે, જ્યારે 328 ફીડરમાં સમારકામની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
ચારેય દિવસો દરમિયાન સમગ્ર હાલાર ના બન્ને જિલ્લામાં કુલ 612 વિજ પોલ ડેમેજ થઈ ગયા છે, જ્યારે 19 ટ્રાન્સફોર્મર ભાંગીને જમીન પર પટકાયા છે. જેથી અંદાજે બન્ને જિલ્લામાં 4 દિવસ દરમિયાન 1 કરોડ 23 લાખનું નુકસાન થયું હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એલ.કે. પરમાર જાતે જ જુદા જુદા વિસ્તારોમાં નુકસાની ને લઈને અન્ય વિજ અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ફોજ સાથે તમામ સ્થળે પહોંચ્યા હતા, અને યુદ્ધના ધોરણે વિજ પુરવઠો કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. આજે પણ પીજીવીસીએલની 145 ટીમો વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે દોડધામ કરી રહી છે.
સંભવિત વાવાઝોડાના કારણે એસ.ટી.ના દ્વારકા તરફના તમામ રૂટો બંધ
સંભવિત વાવાઝોડા ના કારણે એસ ટી ના દ્વારકા તરફ ના તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે અને દ્વારકા ડેપોની તમામ બસો ને જામનગર ડેપો માં સુરક્ષિત રાખી દેવામાં આવી છે. તેમજ શહેર ના માર્ગો પર પણ લોકો ની ચહેલ પહેલ ઓછી જોવા મળી રહી છે.
રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે એનડીઆરએફની 2 ટીમ તૈનાત
સંભવિત વાવાઝોડા બિપોરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ત્યારે સરકાર તરફથી જામનગર જિલ્લાને એનડીઆરએફની બે ટીમ ફાળવવામાં આવી છે. જેમાંથી એક ટીમ જોડિયા ખાતે અને બીજી ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બેડ ખાતે તૈનાત છે.
ચક્રવાતમાં કોઈ જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વડોદરા એનડીઆરએફની બે ટીમો જામનગર જિલ્લામાં તૈનાત છે. એક ટીમમાં 20જવાનો એમ કુલ બે ટીમમાં 40 જવાનો બેડ અને જોડિયા ખાતે રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે સ્ટેન્ડબાય છે. આ ટીમ દ્વારા જે તે સ્થળે જવા માટેની બસ ઉપરાંત સ્નીફર ડોગ, બોટ, લાઇફ જેકેટ, ઓવીએમ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો,રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે જરૂર પડ્યે સ્થળ પર પહોંચવા માટે સજ્જ છે.
જોડિયાની હુન્નર શાળામાં સ્થળાંતરિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ
બિપરજોય વાવાઝોડાના સંભવિત કુદરતી આફતના કારણે જોડિયાના નિચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારમાંથી સેંકડોને સ્થળાંતરિત કરવાની કામગીરીમાં જાણીતી સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર શાળાએ ભોજનની જવાબદારી સંભાળવા માટે તાલુકાના અધિકારીઓની બેઠકમાં તત્પરતા બતાવી છે.
બિપરજોય વાવાઝોડાના કારણે સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં કુદરતી આફતના કારણે જાન-માલને નહિંવત્ નુક્સાની થાય તે માટે સમગ્ર તંત્ર સાબદું છે. કાચા, છાપરાવાળા અને નિચાણવાળા વિસ્તારના મકાનોમાં વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત એવા તમામ ગામે ચાલુ છે. જોડિયા ગામે પણ અંદાજીત 300 થી પણ વધુ લોકોને સ્થળાંતર કરવાની જરૃરિયાત જણાય હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી કલેક્ટર ગ્રીષ્માબેન રાઠવા, મામલતદાર ડાભી, તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ, જોડિયા ગ્રામ પંચાયતના વહીવટદાર ગઢિયા, તલાટી-મંત્રી કિંજલબેન તથા તલાટી-મંત્રી લીંબાસિયા અને શેઠ કા.જી. સ્ત્રી હુન્નર શાળાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા સાથે હુન્નર શાળામાં રૃબરૃ મિટિંગનું આયોજન કરી સ્થળાંતરિત લોકોના ભોજન માટેની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવા જણાવતા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વર્ષોની પરંપરા મુજબ જોડિયા ગામે આવેલ કુદરતી આફતના સમયે ફ્રી જમવાની વ્યવસ્થા કરવાની તત્પરતા બતાવી છે.
જી.જી. હોસ્પિટલના કર્મચારીઓ ખડેપગે
સંભવિત વાવાઝોડા પરિસ્થિતિ અન્વયે ઉભી થનાર ડીઝાસ્ટર પરિસ્થિતિમાં મેડીકલ વ્યવસ્થાને પહોચી વળવા જી જી સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે 716 કર્મચારીઓ ફરજ પર રહેશે. સરકારશ્રીની ગાઈડ લાઈન અને સંસ્થાકીય સૂચનાઓ અનુસાર જી જી સરકારી હોસ્પિટલ જામનગર ખાતે ટ્રોમાં વોર્ડ, મેડીકલ ઈમરજન્સી વોર્ડ, આઈ.સી.સી.યુ, આઈ.સી.યુ, કેઝ્યુલીટી વિભાગ, ફીમેલ સર્જીકલ યુનિટ-01, મેઈલ સર્જીકલ યુનિટ-01 જનરલ વોર્ડ ખાતે વાવાઝોડા પ્રભાવિત વ્યક્તિઓને તાત્કાલિક સારવારઅર્થે સારવાર સેટ અપ ઉભા કરેલ છે
જેમાં તમામ લાઈફ સેવિંગ સાધન સામગ્રી, દવાઓ, ડ્રેસિંગ મટીરીયલ વગેરેનો પુરતો જથ્થો રાખવામાં આવેલ છે જેમની જાણવણી જે તે વોર્ડના હેડ નર્સ /ઇન્ચાર્જ નર્સીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ હિતેશ અગ્રાવત દ્વારા આ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ થઇ રહ્યું છે, ડીઝાસ્ટર અન્વયે જી જી સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે રેપીડ રિસ્પોન્સ ટીમમાં 60 જેટલા નર્સિંગ કર્મચારીઓ ખડે પગે રહેશે. તેમજ કોઈપણ પરિસ્થિતિમાં દર્દીલક્ષી સેવાઓ મળી રહે એ માટે કટીબદ્ધ છે.
10,000 વધુ ફૂડ પેકેટ તૈયાર
બિપરજોય વાવાઝોડાની સંભવિત આફત સામે જરૂરિયાતમંદોને સહાય કરવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનોને ફૂડ પેકેટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ધ્રોલ તાલુકા માં આવેલ ડી.એચ.કે. મુંગરા ક્ધયા છાત્રાલય ખાતે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની સલાહ મુજબ 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે અને વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા ધ્રોલ ભાજપ ટીમ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કુમારપાલસિંહ રાણા એ રાઘવજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલો સંદેશો આપતાં જણાવ્યું હતું કે આ ઉપરાંત પણ કોઈ પણ જરૂરિયાત હોય તો તમામ લોકો ને પૂરતી મદદ કરવા માટે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જીલ્લા ભાજપ સંગઠન લોકો ની સાથે ખડે પગે રહેશે એટલે લોકો એ ગભરાવવાની જરૂર નથી પણ પુરી સાવચેતી રાખવાની છે તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલ ના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર ની અખબારી યાદી માં જણાવ્યું છે.
1998ના વાવાઝોડાના અનુભવને લઈ રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ કરાતી આગોતરી તૈયારી
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વાત છે જામનગર તાલુકાના એક એવા ગામની કે જ્યાં ગ્રામજનો વાવાઝોડાની મુશ્કેલીથી બચવા સ્વયંભુ ગામની વચ્ચે સાવચેતીરૂપે દોરડા બાંધે છે અને ગામમાં જાનમાલની નુકસાની અટકાવવા નવતર આયોજન કરે છે.
પાણી આવે તે પહેલાં પાળ બાંધવી આ કહેવતને જામનગર પાસે આવેલ રસુલનગર ગામના ગ્રામજનો સાચા અર્થમાં સાર્થક કરી રહ્યાં છે. ગુજરાતના દરિયા કિનારે હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું ધીરે ધીરે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સાવચેતી અને સલામતી માટે રાજ્ય સરકારની સાથે સાથે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ અને સાબદુ જોવા મળી રહ્યું છે ત્યારે આશરે 1500 થી 1700 ની વસતી ધરાવતું રસુલનગર પણ એક બની આવનારી આફતને પહોંચી વળવા સજ્જ બન્યું છે.
આ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે અને અહીં મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના પરિવારજનો સાથે વસવાટ કરે છે. આ ગામના લોકો દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતી અને સલામતિના ભાગરૂપે ગામની મધ્યમાં ચોતરફ દોરડા બાંધવામાં આવે છે જેથી વાવાઝોડા સમયે આ દોરડાની મદદથી તેને પકડી આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી સુરક્ષિત આશ્રય મેળવી શકાય. આ ગ્રામજનોએ 1998માં આવેલ વાવાઝોડાને જોયું છે અને ત્યારે પણ આ દોરડા બાંધી ગામના પુરુષો, મહિલાઓ કે બાળકો સુરક્ષિત સ્થાને પહોંચ્યા હોવાનું અને ત્યારે પણ જાનમાલનું ઓછું નુકશાન થયું હતું તેમ ગ્રામલોકો દ્વારા જાણવા મળ્યું હતું. બસ ત્યારથી જ આ ગ્રામજનો સાથે મળી ગામની મધ્યમાં આવેલ ચોકમાં દોરડા બાંધે છે જેથી વાવાઝોડા સમયે તે દોરડાની સલામતીએ સુરક્ષિત સ્થાને પહોંચી જવાય અને કોઈ જાનહાની ન થાય તેમજ સર્વે ગ્રામજનો સલામત રહી શકે. રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્રની સાથે સાથે ગ્રામજનો પણ એકબીજાના સાથ સહકાર દ્વારા આવનારી આ કુદરતી આપદા સામે લડવા સાથે મળી સજ્જ બની અનેરાં ઉદાહરણ સાથે આપણને ઘણું શીખવી જાય છે.
અસરગ્રસ્તોને આશરો અને અન્ન પૂરું પડાયું
જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારો,કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. કલેકટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં કુલ 8542 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોટી ખાવડી ગામે આવેલ માધ્યમિક શાળાને આશ્રય સ્થાન તરીકે જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા 250 જેટલા અસરગ્રસ્તોને 3 દિવસથી શાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે. ગ્રામપંચાયત દ્વારા તમામને રહેવાની, જમવાની તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.જેથી લોકોએ વાવાઝોડાના ભય વચ્ચે રાહતનો શ્વાસ લીધો છે.
મોટી ખાવડીના તલાટીમંત્રીશ્રી ભારદ્વાજસિંહ વાઘેલા જણાવે છે કે, સરકારની સૂચના અનુસાર ગ્રામપંચાયત દ્વારા આશ્રિતોને રહેવાની, સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન, આરોગ્યની, સુવાની તેમજ પ્રાથમિક તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવી રહી છે. 250 જેટલા લોકોને ત્રણ દિવસથી ગ્રામપંચાયત દ્વારા જમવાનું આપવામાં આવી રહ્યું છે.અને ગામના 5 જેટલા બહેનો સેવાકીય કામ કરી જમવાનું બનાવી આપે છે. આશ્રય સ્થાનમાં હાલ તમામ લોકો સુરક્ષિત છે.