રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મુદ્દે ચર્ચા: 525 જેટલાં પ્રબુદ્ધ નાગરિકો રહ્યા હાજર
રાષ્ટ્રીય એકતા મંચ – રાજકોટ દ્વારા ગત તારીખ 10 જૂનના રોજ ધોળકિયા સ્કૂલ ઓડિટોરિયમ ખાતે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિષય પર રાત્રે 8 થી 11 દરમિયાન વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠિના મુખ્ય વક્તા તરીકે સુપ્રીમ કોર્ટનાં એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાય હાજર રહ્યા હતા. અશ્વિનીકુમાર ઉપાધ્યાય ભારતીય ઉચ્ચતમ ન્યાયાલયમાં અધિવક્તા છે અને ’પી.આઈ.એલ. મેન ઓફ ઇન્ડિયા’ તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમણે 150થી વધુ જાહરેહિતની અરજીઓના માધ્યમથી ભારતીય સમાજ માટે મહત્વની કાયદાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોમાં સીમાચિન્હરૂપ ન્યાયિક આદેશો પ્રાપ્ત કર્યા છે. ઉક્ત કાર્યક્રમમાં રાજકોટના 525 જેટલા નામાંકિત પ્રબદ્ધુજનો તથા અધિવકતાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો હેતુ સમાજ જાગરણનો રાખવામાં આવ્યો હતો અને સમાજને સ્પષ્ટતા તરફ લઈ જવામાં સફળ રહ્યો છે. પ્રશ્નોત્તરી સાથે અંદાજે ત્રણ કલાક ચાલેલા કાર્યક્રમમાં શ્રોતાજનોનો ઉત્સાહ અને ભાવ કાર્યક્રમની પૂર્ણાહુતી સુધી માણવાલાયક રહ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્યત્વે કાયદાનો મહત્વ, તેને મજબૂત અને સ્પષ્ટ કઈ રીતે બનાવવા જોઈએ, સમાજમાં તેની ભૂમિકા શું, તેના માટે શું આયોજન કરવું જોઈએ, સમાજને આવી બાબતોમાં તૈયાર અને જાગૃત કરવા મહત્તમ પ્રયત્નો કઈ રીતે કરી શકાય, તેની સ્પષ્ટ સમજ વિવિધ કાયદા જેવા કે એક દેશ એક દંડ સંહિતા, એક કર સંહિતા, એક શિક્ષા સંહિતા, એક ધર્મસ્થળ સંહિતા, સમાન નાગરિક સંહિતા, સમાન પોલીસ સંહિતા જેવા કાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું હતું.
રાજકોટથી શરૂ થયેલી ક્રાંતીની ચિંગારી દેશભરમાં આગળ ધપશે: અશ્વિનીકુમાર ઉપાધ્યાય
અશ્વિનીકુમાર ઉપાધ્યાયે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા એક ખુબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય પરંપરા, જ્ઞાન – વિજ્ઞાન, જીવનશૈલી, ન્યાયિક વ્યવસ્થા, સમાજની સ્થિતિ અને તેની સામેના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે કે, એવી કોઈ સમસ્યા નથી જેનું કોઈ સમાધાન નથી. આજ સુધી હંમેશા સમસ્યાઓ અંગે ચર્ચાઓ થઇ છે પણ દુર્ભાગવશ ક્યારેય સમાધાન અંગે ચર્ચા કરવામાં આવી નથી. આજે હું રાજકોટની જનતાને શુભેચ્છા પાઠવું છું કે, તેઓ આજે એક વિશેષ કાર્યક્રમનો ભાગ બન્યા છે અને આ દિશામાં આજે રાજકોટથી ક્રાંતિની શરૂઆત થઇ છે જે સમગ્ર દેશમાં આગળ વધશે. તેમણે કહ્યું હતું કે, મારું માનવું છું કે, નેશન ફર્સ્ટનું સૂત્ર સાર્થક થવું જોઈએ કેમ કે, રાષ્ટ્ર્ર હશે, તો સમાજ હશે અને સમાજ હશે તો આપણે સૌ હઈશું.