ગ્રામીણ વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવાથી 1.4 કરોડ લોકોને પાણી જન્ય રોગોથી બચાવી પણ શકાશે
જલ જીવન મિશન યોજનાના વિશ્વ આરોગ્ય સંસ્થાએ વખાણ કર્યા છે. સાથે એવું પણ જણાવ્યું છે કે આ યોજના 4 લાખ લોકોના જીવ બચાવશે અને 1.4 કરોડ લોકોને રોગથી બચાવશે.
કેન્દ્ર સરકારની એક યોજના 4 લાખ લોકોના જીવ બચાવી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ યોજનાની પ્રશંસા કરી છે. ડબ્લ્યુએચઓના અહેવાલમાં, તેણે જણાવ્યું હતું કે, જો જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે સંભવિતપણે ડાયેરિયાના કારણે લગભગ 400,000 મૃત્યુને અટકાવી શકે છે. આ સિવાય 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય છે.
કેન્દ્ર સરકારના જલ જીવન મિશન હેઠળ 2024 સુધીમાં ભારતના ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવાનું છે. અત્યાર સુધીમાં 62.84% વિસ્તારોમાં આ કામ પૂર્ણ થયું છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, દેશના 12 મોટા નદીના તટપ્રદેશોમાં લગભગ 820 મિલિયન લોકો પાણીની અછતનો સામનો કરે છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના સર્વે મુજબ, ઝારખંડમાં મહિલાઓને પાણી લેવા માટે દરરોજ 40 મિનિટ ચાલવું પડે છે. જ્યારે બિહારમાં આ સમય લગભગ 33 મિનિટનો છે. મહારાષ્ટ્રમાં, તે સરેરાશ 24 મિનિટની આસપાસ છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી અને આ યોજનાનું લક્ષ્યાંક 2024 સુધીનું રાખવામાં આવ્યું છે.