શરદ પવારની આગેવાનીમાં પાર્ટીની ઓચિંતી જાહેરાતથી અજિત પવારને આંચકો

એનસીપીમાં આજે મોટા ફેરફારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીમાં મોટી જવાબદારી અપાઈ છે અને તેણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આ સાથે પ્રફુલ પટેલને પણ  કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આજે એનસીપીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા. તેઓ હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા છે. તાજેતરમાં જ શરદ પવારે પાર્ટી અધ્યક્ષની જવાબદારી છોડવાની જાહેરાત કરી હતી. જો કે કાર્યકરોની નારાજગી અને આગેવાનોની સમજાવટ બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

પવારની ઓફર પર વિચારણા કરવા માટે રચવામાં આવેલી પેનલે 5 મેના રોજ તેમનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રાખવા વિનંતી કરી હતી. હવે પાર્ટી હાઈકમાન્ડે બે નવા કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

પાર્ટીના 25માં સ્થાપના દિને જ કરાયા ધરખમ ફેરફાર

આજે એનસીપીનો 25મો સ્થાપના દિવસ છે. પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે, આપણે બધાએ એનસીપીને મજબૂત કરવા માટે કામ કરવું પડશે. પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને વર્કિંગ કમિટીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.સુપ્રિયા સુલેને હરિયાણા અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે.

કોને શું જવાબદારી સોંપવામાં આવી?

સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવીને મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબના મહિલા યુવા, લોકસભાના સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પ્રફુલ્લ પટેલને પણ કાર્યકારી અધ્યક્ષ બનાવીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સુનીલ તટકરેને રાષ્ટ્રીય મહાસચિવ બનાવીને ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ ખેડૂતો, લઘુમતી વિભાગના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ નંદા શાસ્ત્રીને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અને ફૈઝલને તમિલનાડુ, તેલંગાણા, કેરળની જવાબદારી સોંપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.