ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહન વ્યવહાર વિભાગની નવતર પહેલ: ઈપાસ સિસ્ટમનો આજથી અમલ શરૂ
એસટી વિભાગમાં સુવિધાની ગાડી બમણી સ્પીડે ચાલી રહી છે. આધુનીક સુવિધા બસથી લઇને ઇલેક્ટ્રીક બસો હવે એસટી વિભાગ પાસે છે. તો હવે એસટી વિભાગમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઇ-પાસની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આજના ડિજીટલ યુગમાં એસટી વિભાગનો પ્રવેશ થઇ ચૂક્યો છે. વર્ષોથી વિદ્યાર્થીઓને જે બસ સ્ટેશનના ધક્કા ખાવા પડતાં હતા તેમાં મદદ મળશે અને ઘરબેઠા તેઓ એસટીના ઇ પાસ કઢાવી શકશે.
હાલમાં રાજ્યમાં વિદ્યાર્થીઓ અને રોજીંદા મુસાફરોએ નિયત કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવવાનું રહે છે. ત્યારબાદ આ અરજી પત્રક મેન્યુઅલી ભરવાનું રહે છે.
અરજી પત્રક ભર્યા પછી સંબંધિત શૈક્ષણિક સંસ્થાના સહી-સિક્કા કરાવ્યાબાદ નિગમના કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપી રોકડ ચુકવણું કર્યા બાદ આઈ કાર્ડ/પાસ મેળવી શકાય છે.
કોમ્પ્યુટરમાંથી જ ઇ પાસ કાઢી શકશે
વેકેશન પૂર્ણ થતાં જ હવે તમામ શાળા-કોલેજો ખુલી ગઇ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ હવે દરરોજ સ્કૂલે આવી રહ્યાં છે. ત્યારે આ વિદ્યાર્થીઓને અગવળતા ન પડે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રેગ્યુલર મુસાફરી માટે જે પાસ ઓફલાઇન કાઢવામાં આવતાં હતા તેની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી ઘરબેઠા બસનો ઇ-પાસ કાઢી શકે છે. એટલે કે બસ સ્ટેશનમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીએ લાઇનમાં ઉભા નહીં રહેવું પડે તે પોતાના કોમ્પ્યુટરમાંથી જ ઇ પાસ કાઢી શકશે.
પાસની સુવિધા 50 ટકા રાહત દરે અપાશે
રાજ્યમાં હાલ નિગમ દ્વારા 125 બસ સ્ટેશનો, 105 કંટ્રોલ પોઇન્ટ તેમજ 33,915થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ મારફતે દર વર્ષે 5.17 લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને 4.93 લાખથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહતદરના પાસ આપવામાં આવે છે. તેમજ 80 હજારથી વધુ રોજીંદા મહિલા અને 2.32 લાખથી વધુ પુરૂષ રોજીંદા મુસાફરો મળી કુલ 3 લાખથી વધુ રોજીંદા મુસાફરોને પાસની સુવિધા 50 ટકા રાહત દરે (15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી યોજના) આપવામાં આવે છે. ઈ-પાસ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.