ગીર સોમનાથ એસ.ઓ.જીએ રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ નીચે 1800 ગ્રામગાંજો છુપાવ્યો હતો
લતીફની પત્ની મદીનાબીબીની પણ થશે ધરપકડ
ગીર સોમનાથ પોલીસે 18 હજારના ગાંજા સાથે બે લોકોને તાલાલા પાસેથી પકડ્યા હતા. આ ગાંજો અમદાવાદના કુખ્યાત અબ્દુલ લતીફની પત્નીએ મોકલ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આથી ગીર સોમનાથ એસઓજીએ અમદાવાદમાં રહેતી લતીફની પત્નીની ધકપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
વિગતો મુજબ ગીર સોમનાથ એસઓજી સ્ટાફ તાલાલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે એક રિક્ષામાં 2 શખ્સ ગાંજાનો જથ્થો લઈ પસાર થઈ રહ્યા હોવાની તેમને બાતમી મળી હતી. આથી પોલીસે રિક્ષા અટકાવી તપાસ કરતા ડ્રાઇવરની સીટ નીચેના ભાગેથી કાળા રંગની પ્લાસ્ટિક બેગમાં છુપાવેલો માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થની સ્થળ પર જ એફએસએલ દ્વારા ચકાસણી કરાતા તે ગાંજો હોવાનું સાબિત થયું હતું.
એસઓજીએ 1800 ગ્રામ ગાંજો (કિંમત 18 હજાર), રિક્ષા, 3 ફોન, રોકડા 9,700 મળી કુલ 83,700નો મુદ્દામાલ જપ્ત કરી સાસણના સલીમ ઉર્ફે મેરુભાઈ દલ અને તાલાલાના સતાર દોમાનની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ગાંજાનો આ જથ્થો અમદાવાદના ગેંગસ્ટર અબ્દુલ લતીફ શેખની વિધવા પત્ની મદીનાબીબીએ મોકલાવ્યો હોવાની બંનેએ કબૂલાત કરતા પોલીસે ગાંજાનો સપ્લાય કરનાર મદીનાબીબીને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે.