વિધાનસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ હવે ગુજરાતના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ બદલશે: એકાદ પખવાડીયામાં નવા હિદ્દેદારોના નામ જાહેર કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયેલા કરૂણ રકાસ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતમાં સંગઠન માળખામાં ધડમૂળથી ફેરફાર કરવા જઇ રહ્યું છે. આગામી એકાદ પખવાડીયામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવશે. પ્રમુખ પદની રેસમાં હાલ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને દિપકભાઇ બાબરિયાના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. પાંચ વર્ષમાં કોંગ્રેસની 60 બેઠકોનો ઘટાડો થયો છે. ઉમેદવારોની પસંદગી અને યોગ્ય પ્રચાર-પ્રસારના અભાવે કોંગ્રેસની કારમી હાર થઇ હતી. દરમિયાન પરાજયના પોષ્ટ મોર્ટમ માટે બનાવવામાં આવેલી કમિટિ સમક્ષ એવો ધગધગતા રિપોર્ટ આવ્યા હતા કે ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વેંચી હતી. રાષ્ટ્રીયસ્તરેથી મોકલવામાં આવેલા નામો પૈકી 35 બેઠકો પર પ્રદેશના હોદ્ેદારોએ ઉમેદવારો બદલી નાંખ્યા હતા.
આ રિપોર્ટ કમિટિ દ્વારા રજૂ કર્યા બાદ દિલ્હી દરબારમાંથી ગુજરાત કોંગ્રેસના નેતાઓને તેડુ મોકલવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા, વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડા સહિતના પાંચેક નેતાઓ દિલ્હી ગયા હતા. હાઇકમાન્ડે ગુજરાતના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ બદલવાનું મન બનાવી લીધું છે. હાલ ગુજરાતમાં પાટીદાર નેતા પાસે સંગઠનમાં કોઇ મોટુ પદ નથી. આવામાં પ્રદેશ પ્રમુખ પદ પાટીદાર સમાજને આપવાનો નિર્ણય લઇ લીધો છે. આવામાં બે નામો ચર્ચામાં છે.
વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠનમાં પણ જવાબદારી નિભાવી ચૂકેલા દિપકભાઇ બાબરિયાનું નામ ચર્ચાય રહ્યું છે. પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબૂકમાં સારી છાપ ધરાવે છે. તેઓને હમેંશા પક્ષ સાથે વફાદારી કરી છે. સંજોગો કે પડકાર ગમે તેવા હોય પરેશભાઇ પંજાની પડખે અડિખમ ઉભા રહ્યા છે.
સૌરાષ્ટ્રને સાચવી લેવા માટે પણ પરેશ ધાનાણીને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર 10 માસનો સમય બાકી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થઇ રહ્યો છે. કરૂણ રકાસની હેટ્રીક ખાળવા માટે કોંગ્રેસે અત્યારથી જ ગંભીરતાથી સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરવું પડશે. દિલ્હી દરબાર સમક્ષ હાજર થયેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ એવી જ રજૂઆત કરી છે કે બને તેટલું ઝડપથી ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ અને સંગઠન પ્રભારીની નવી નિમણૂંક કરી દેવામાં આવે જેથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી શકાય.
વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રભારી પદેથી ડો.રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પ્રમુખ પદ છોડવાની તૈયારી દર્શાવી છે. આગામી એકાદ પખવાડીયામાં દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીના નવા નામોની ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. નવા પ્રમુખ માટે રાજ્યમાં સંગઠન માળખાને મજબૂત બનાવવું સૌથી મોટો પડકાર રહેશે. કારણે હાલ રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન માળખુ અસ્તિત્વમાં ન હોય તેવો માહોલ છે. આઠ મહાપાલિકા, 31 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. વિધાનસભામાં માત્ર 17 ધારાસભ્યો છે. રાજ્યસભામાં માત્ર ત્રણ સાંસદો છે.
લોકસભામાં એકપણ સાંસદ નથી. ગુજરાતમાં કોંગ્રેસ ખુબ જ કપરા સમયમાંથી પ્રસાર થઇ રહ્યું છે. આવામાં નવા પ્રમુખ અને પ્રભારી માટે કપરા ચઢાણ બની રહેશે. નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તી બાદ જિલ્લા અને મહાનગરોમાં પણ નવું સંગઠન માળખુ જાહેર કરવામાં આવશે.