દેશમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડને પાર
ડાયાબિટિસ કે સુગરની બીમારી જો એકવાર કોઈને થઈ જાય તો આજીવન સાથે રહે છે. તે એક મેટાબોલિક ડિસઓર્ડર છે. તે દર્દીના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનતું બંધ કરી દે છે અથવા ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન કરે છે. જેના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. જે આપણા મેટાબોલિઝમને અસર કરે છે.
ઈન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2019 સુધી દેશમાં ડાયાબિટીસના લગભગ 7.7 કરોડ દર્દીઓ હતા. વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા 10 કરોડ થઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ આંકડો 2023ના જૂન માસમાં જ પૂર્ણ થઈ ગયો છે. 20 થી 79 વયજૂથમાં થતા ડાયાબિટીસની બાબતમાં ભારત બીજા ક્રમે છે. ચોંકાવનારી વાત એ છે કે, 8 કરોડ લોકો પ્રી-ડાયાબિટીકના શિકાર છે. મોટાભાગના લોકો ઝડપથી પ્રી-ડાયાબિટીસમાંથી ડાયાબિટીસના શિકાર તુરંત બની જાય છે.
ત્યારે ભારતીય લોકોનું બેઠાડું જીવન અને બદલતી જીવન શૈલીના કારણે ફક્ત ચાર વર્ષમાં 44 ટકા લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. ડાયાબિટીસ થવા પાછળના મુખ્ય કારણો એક છે કે, લોકો સ્વાસ્થ્યવર્ધક ખોરાક નું સેવન નથી કરતા સામે જીવન શૈલીમાં પણ થતો બદલાવ ડાયાબિટીસને નોતરે છે બીજી તરફ ડાયાબિટીસ હોવાના કારણે હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ લેવલ તથા ઓબેસિટી નું પ્રમાણ વધતું હોય છે અને આ પગલે હૃદય રોગનો હુમલો તથા કિડની ને લગતી બીમારી પણ આવે છે.