ગુંદાળા ગામે માથાકૂટ બાદ ઘરે ગયેલા બંને યુવકને ઘરમાં ઘૂસી લમધાર્યા: જાનથી મારી નાખવાની દીધી ધમકી
શહેરની ભાગોળે આવેલા ગુંદાળા ગામના પાટિયા પાસે સામે જોવા મામલે બે યુવક પર પાંચ શખ્સોએ હિંચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ગામે રહેતા ફરિયાદી સુનીલભાઇ પ્રભુભાઇ બોરીયા (ઉ.વ.19)એ જણાવ્યું હતું કે, તેઓ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ પોતે તથા તેનો પિતરાઇ ભાઇ રોહીતભાઇ મનસુખભાઇ સાથે ગુંદાળા ગામના પાટીયા પાસે ઉભા હતા. ત્યારે બાઇકમાં ઘસી આવેલા વિશાલ ગમારા, રાહુલ ગમારા તથા નિલેશ ગમારાએ તેમની પાસે બાઇક ઉભી રાખી કહ્યું હતું કે,’ અમે બાઇક લઈ તારા ઘર પાસેથી નિકળીએ ત્યારે તુ અમારી સામે કેમ કાતર મારે છે?’ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, અમારા છોકરાઓ શેરીમા રમતા હોય જેથી બાઇક ધીમે ચલાવવાનું કહ્યું હતું. જે વાતથી ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ફરિયાદી અને તેના મિત્ર રોહિતને બેફામ ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં. મારથી બચવા બન્ને યુવકો ઘરે ભાગી છૂટયા હતા.
તે દરમિયાન રાત્રીના આઠ વાગ્યે તેમની પાછળ રોહીત ગમારા અને હરેશ ગમારા ઘસી આવેલા અને ’અમારા ભાઇઓ સાથે શુ માથાકુટ કરતા હતા’ કહી બન્ને ભાઇઓને ગાળો આપી ઢીકાપાટુથી મારમારવા લાગ્યા હતાં. બાદમાં ફરિયાદીના પિતા સહિતના લોકો દોડી આવ્યા હતાં અને બંને શખ્સો ’હવે પછી અમારી સાથે માથાકુટ કરશો તો બન્નેને જાનથી મારી નાખવા પડશે’ તેવી ઘમકી આપી નાસી છૂટ્યા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે હુમલો કરી ધમકી આપનાર પાંચ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી હતી.