નમુના નંબર-ર ની નકલ કાઢી આપવાના મામલે બે શખ્સોએ માર માર્યો
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગ્રામ પંચાયત કચેરીમાં બે શખ્સોએ તલાટી કમ મંત્રી ઉપર હુમલો કરીને મુઢમાર માર્યાની ફરીયાદ જોરાવરનગર પોલીસમાં નોંધાઈ હતી.
ખોડુ ગામે તલાટી તરીકે ફરજ બનાવતા કૌશીકભાઈ એલ બોરાણા બુધવારે ખોડુ ગામે પોતાની અફિસમાં કામ કરી રહ્યા હતા. ત્યારે ગામના જ સંજયભાઈ નારાયણભાઈ ટમાલીયા અને કુલદીપભાઈ વજુભાઈ ટમાલીયાએ આવીને તેમને તુરત જ પેટ્રોલપંપનું નમુના નં 2 ની નકલ કાઢી આપવા કહ્યું હતું. ત્યારે તલાટીએ અરજી જોઈને નિયમ મુજબ કાઢી આપીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ ટેબલ ઉપરથી રજીસ્ટર ઉપાડી તલાટી ઉપર ઘા કરીને તેમજ ખુરશી ઉપાડીને તેમના પડખામાં મારી હતી. ઓફીસના અન્ય લોકોએ આવીને ઝપાઝપી કરતા બન્ને શખ્સોથી તલાટીને છોડાવ્યા હતા. થોડીવારમાં સંજયભાઈએ લાકડી સાથે ફરી આવીને હાથ ઉપર ઘા માર્યો હતો. તેમજ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ કૌશીકભાઈને સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં લઈ જવાયા હતા. તેમણે જોરાવરનગર પોલીસમાં બન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને હથિયારબંધીના ભંગની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.