હાય રે મોંઘવારી .. શિહોરના રત્નકલાકાર પરિવારનો
માતા – પિતાએ બે બાળકો સાથે મળી ઝેરી દવા ગટગટાવી લેતાં પરિવારમાં કલ્પાંત
હીરા ઉદ્યોગમાં મંદી આવી હોવાથી વધુ એક રત્નકલાકારે જીવન સામે જંગ હારી છે.જેમાં મૂળ ભાવનગરના સિહોર ખાતેના અને હાલ સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પી સામૂહીક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પરિવારે આર્થિક સંકડામણના કારણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બનાવની મળતી વિગતો મુજબ સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા(પપ)હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની પ0 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 1પ વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.
જેમાં વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી પ્રવર્તી રહી છે તેથી આર્થિક સંકડામણના કારણે તેમણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પરિવારના આત્યાંતિક પગલા બાબતે તપાસ શરૂ કરી છે.પિતરાઈને કહ્યું, દીકરા-દીકરીને સાચવી લેજે એલ્યુમિનીયમ ફોસ્ફેટ પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દિકરા અને એક દિકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.બાદ મહિલાની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે પરિવારના અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત: હાર્ટ એટેકના કારણે વધુ બે યુવાને જીવ ગુમાવ્યો
18 અને 4પ વર્ષીય યુવાનોનું હૃદય બેસી જતા મોત: નાની વયે આવતા હાર્ટ એટેકે ચિંતા વધારી
રાજ્યમાં હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. હાર્ટએટેકથી મોત પામનારા લોકો નાની ઉંમરના અને ખાસ યુવાવસ્થાના હોવાનું સામે આવ્યું છે. તેવી જ રીતે સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. સુરતના ખોડિયારનગરમાં 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતું. તો તે જ વિસ્તારમાં રહેતા 4પ વર્ષીય નઝીફ ખાન નામના વ્યક્તિનું પણ હૃદય બેસી જતા મોત થયુ હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં ખોડિયાર નગરમાં રહેતા કમલેશભાઈ નામના 18 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. યુવકને વહેલી સવારે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તે બેભાન થઈ જતા તેને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક કમલેશને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. ત્યારે કમલેશનું અચાનક હૃદય બેસી જતા મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. સુરત પોલીસે કમલેશના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. મૃતક યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો.
તો બીજી તરફ, ખોડિયાર નગરમાં જ રહેતા 4પ વર્ષીય નઝીફ ખાનનું વહેલી સવારે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. નઝીફભાઈને સાંજે છાતીના ભાગે દુખાવો થયો હતો. રાત્રે સૂતા બાદ સવારે તેઓ જાગ્યા જ ન હતા. તેથી પરિવારના સદસ્યો દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફરજ પરના હાજર તબીબોએ નઝીફને મૃત જાહેર કર્યા હતા. નઝીફભાઈને પણ કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી.
પોલીસે બંને ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ અને નિષ્ણાતો દ્વારા પણ નાની વયે વધતા જતા હાર્ટ એટેકના બનાવ અંગે વધુ જાણકારી મેળવવા માટે તપાસ હાથધરી છે.