ભલે વૈશ્વિક કક્ષાએ પરિસ્થિતિ વિકટ બને પણ ભારતનું આંતરિક અર્થતંત્ર જ એટલું મજબૂત કે વધુ અસર નહિ પહોંચે
લોકોના ‘ખિસ્સા ગરમ’ રહેવાથી અર્થતંત્ર ટનાટન જ રહેશે. ભલે વૈશ્વિક કક્ષાએ પરિસ્થિતિ વિકટ બને પણ ભારતનું આંતરિક અર્થતંત્ર જ એટલું મજબૂત કે વધુ અસર નહિ પહોંચે.
વિશ્વ બેંકે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ જાહેર કર્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ થઈ રહી હોય આમાં ભારતને પણ અસર થવાની તેને સંભાવના વ્યક્ત કરી છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેશે. વિશ્વ બેંક દ્વારા જાન્યુઆરીમાં કરાયેલા અગાઉના અંદાજ કરતાં આ 0.3 ટકા ઓછું છે. આ સાથે, વિશ્વ બેંકે કહ્યું કે ભારતમાં ખાનગી વપરાશ અને રોકાણમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. તે જ સમયે, સેવાઓની વૃદ્ધિ પણ મજબૂત છે. આમ ભારતમાં પરચેસ પાવર વધ્યો છે. જેને કારણે સ્થાનિક માંગ પણ ઉંચી જઈ રહી છે. પરિણામે વૈશ્વિક પરિસ્થિતિની વધુ અસર થઈ શકે એમ નથી.
બીજી તરફ વિશ્વના 189 દેશોમાં ગરીબી નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ વિશ્વ બેંકે તાજેતરના વૈશ્વિક પરિદ્રશ્યમાં જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર વર્ષ 2023માં 2.1 ટકા રહેશે, જ્યારે 2022માં તે 3.1 ટકા રહ્યો છે. વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ’ રિપોર્ટ અનુસાર વર્ષ 2023 માટેનો નવો વિકાસ અનુમાન જાન્યુઆરીના અગાઉના અંદાજ કરતા થોડો સારો છે. વિશ્વ બેંકે જાન્યુઆરીમાં કહ્યું હતું કે આ વર્ષે વૈશ્વિક વિકાસ દર માત્ર 1.7 ટકા રહેશે.