ગીર સોમનાથ જિલ્લો નાળિયેરના ઉત્પાદન માટે દેશભરમાં અગ્રેસર છે: કુલપતિ ચોવટીયા
જૂનાગઢમાં નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ : સમસ્યા અને સમાધાન વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો
નાળિયેરના બજારને વધુ વ્યાપ આપવા પ્રોસેસિંગ અને પ્રીઝર્વેશન પર વધુ ધ્યાન આપવામાં આવે તો સોફ્ટ ડ્રિંક્સને ટક્કર રાખી શકાય તેમ છે એવું જૂનાગઢ ખાતે નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ : સમસ્યા અને સમાધાન વિષય પર યોજાયેલ રાજ્યકક્ષાના પરિસંવાદમાં સંશોધન અને વિસ્તરણ નિયામક ગાજિપરાએ જણાવ્યું હતું. આ સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નાળિયેરનો ત્રોફા તરીકે વધુ ઉત્પાદન લેવામાં આવે છે. તેમાં પણ ગીર સોમનાથ જિલ્લો નાળિયેરના ઉત્પાદન માટે દેશભરમાં અગ્રેસર છે તેમ કુલપતિ વી.પી. ચોવટીયાએ જણાવી સફેદ માખીના ઉપદ્રવના કારણે નળીયેરીના પાકને માઠી અસર પહોંચી છે ત્યારે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ માટે અસરકારક ઉપાયો શોધવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
નાળિયેરીના પાકમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ મૂંઝવણને ધ્યાનમાં રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ ના સંયુક્ત ઉપક્રમે નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ: સમસ્યા અને સમાધાન વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેનો 350થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો.
કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રારંભિક સત્રમાં સંબોધન કરતા કુલપતિ વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે નાળિયેરીના પાકના ઉત્પાદનને અસર થઈ રહી છે. ખાસ કરીને ફળ ધારણ કરવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવી રહ્યા છે. ઉપરાંત સફેદ માખીના ઉપદ્રવના કારણે નળીયેરીના પાકને માઠી અસર પહોંચી છે ત્યારે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ માટે અસરકારક ઉપાયો શોધવામાં આવી રહ્યા છે.
દેશમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદનમાં કેરળ રાજ્યમાં થાય છે, પણ ત્યાં કોપરાના તેલ માટે ઉત્પાદનને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ત્રોફા તરીકે વધુ ઉત્પાદન લેવામાં આવે છે. તેમાં પણ ગીર સોમનાથ જિલ્લો નાળિયેરના ઉત્પાદન માટે દેશભરમાં અગ્રેસર છે.
ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના મંત્રી ડો. કે.જી. મહેતા એ જણાવ્યું કે, ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં નાળિયેરીના પાકનું વાવેતર થઈ રહ્યું છે, ત્યારે નાળિયેરના બજારને વધુ વ્યાપ આપવા પ્રોસેસિંગ અને પ્રીઝર્વેશન પર વધુ ધ્યાન આપવામાં આવે તો સોફ્ટ ડ્રિંક્સને ટક્કર રાખી શકાય તેમ છે.
સંશોધન અને વિસ્તરણ નિયામક એચ.એમ. ગાજિપરાએ જણાવ્યું કે, દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં નાળિયેરીના બગીચામાં સફેદ બાકીનો ઉપદ્રવ એક જટિલ પ્રશ્ન બની ગયો હતો.
ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. એ.આર. પાઠકે આ પરિસંવાદની તાતી જરૂરિયાત હોવાનું જણાવતા કહ્યું કે, બાગાયત ખેતી કરતા ખેડૂતોના વૃક્ષો પણ અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે આમ એક રીતે પર્યાવરણનું રક્ષણ પણ કરે છે.
આ પ્રસંગે ભેસાણ તાલુકાના ચુડા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ બટુકભાઈ મોવલિયાનું કપાસ પાકમાં આધુનિક ખેતી અપનાવવા માટે સરદાર સ્મૃતિ કેન્દ્ર દ્વારા રજત જયંતિ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને રૂ. 7551નો ચેક અને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું હતું.