યુક્રેનમાં ડેમ તૂટવાનું ઘટના યુદ્ધને ભયાનક કરશે કે શાંતિ સ્થાપશે ?
રશિયા અને યુક્રેન બન્ને બચાવ કામગીરીમાં જોડાયા, રશિયાની સામે યુરોપિયન યુનિયન અને અમેરિકા વધુ આક્રમતા દાખવે તેવી પણ શકયતા : ડેમ તોડવાનો બન્નેનો એકબીજા ઉપર આરોપ
યુક્રેનનો સૌથી મોટો ડેમ તૂટ્યો છે. આ ડેમને બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવતા 100 જેટલા ગામો તણાયા જેવી સ્થિતિ ઉદભવી છે. જો કે આ ડેમ બ્લાસ્ટ કરવામાં બન્ને દેશો એક બીજા ઉપર આરોપો કરી રહ્યા છે. આ ડેમ તૂટવાની ઘટના યુદ્ધને ભયાનક કરશે કે શાંતિ સ્થાપશે તેના ઉપર પ્રશ્ન હાલ સર્જાયો છે.
ગત મંગળવારે વહેલી સવારે યુક્રેનના નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ કરાયો હતો. આ ઘટના બાદ ચારેબાજુ ભયનો માહોલ છે. ડેમ તૂટ્યા બાદ પાણીમાં સતત વધારો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ડેમની નજીક આવેલા 100 ગામો તણાય ગયા છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવી છે. પૂરમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. નીપર નદી પર બનેલા આ ડેમ તૂટવાને કારણે 400 કરોડ ગેલન પાણી ખેરસન શહેર તરફ વહી ગયું છે. ઑક્ટોબર 2022 માં, ઝેલેન્સકીએ એવો ભય પણ વ્યક્ત કર્યો કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરી શકે છે.
યુક્રેનમાં ડિનીપર નદી પરનો કાખોવકા ડેમ રશિયન હસ્તકના પ્રદેશમાં છે. રશિયન સેનાએ યુક્રેનના હુમલામાં પોતાના વિનાશની વાત કરી છે. અહીં, યુક્રેનના ઉત્તરી કમાન્ડના સૈન્ય અધિકારીઓએ કહ્યું કે ડેમ પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ડેમ તૂટવાને કારણે વિનાશની આશંકાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ વોલ્ડોમિર ઝેલેન્સકીએ પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ડીનીપર નદી પરનો કાખોવકા ડેમ 30 મીટર ઊંચો છે અને 3.2 કિમીનો વિસ્તાર આવરી લે છે. તે સોવિયત શાસન દરમિયાન 1956માં બનાવવામાં આવ્યો હતો. આ ડેમમાંથી જ ક્રિમિયા અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટને પાણી પૂરું પાડવામાં આવે છે. નોવા કાખોવકાના મેયર વોલોડીમીર કોવાલેન્કોએ કહ્યું છે કે આ વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રાણી સંગ્રહાલય, થિયેટર, કાફે અને રમતના મેદાનો પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ત્યાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
રશિયા અને યુક્રેન બન્ને બચાવ કામગીરીમાં જોડાયા છે. હાલ આ ઘટનાથી બે શક્યતાઓ સેવાઈ રહી છે. એક કે આ વિકટ પરિસ્થિતિમાં બન્ને દેશો શાંતિ સ્થાપે. બીજું કે રશિયાની સામે યુરોપિયન યુનિયન અને અમેરિકા વધુ આક્રમતા દાખવે તેવી પણ શકયતા છે. વિનાશ માટે રશિયા અને યુક્રેન એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે તે ડેમ પણ 1941માં નષ્ટ થઈ ગયો હતો. 29 ઓગસ્ટ 1941ના રોજ, સોવિયેત સંઘના પ્રવક્તા લુઝોવ્સ્કીએ મીડિયાને નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે ઝાપોરિઝિયામાં નીપર નદી પર બનેલો બંધ નષ્ટ થઈ ગયો છે. જેથી તે નાઝી ડાકુઓના હાથમાં ન આવે. ડેમનો નાશ કરીને, યુએસએસઆરએ જર્મન સૈન્યને આગળ વધતા રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ડેમ સોવિયેત સંઘ દ્વારા તેની પ્રથમ પંચવર્ષીય યોજના હેઠળ બાંધવામાં આવ્યો હતો. તેને બનાવવામાં 8 વર્ષ લાગ્યા હતા. જેના કારણે નીપર નદીના બંને કાંઠે પાણી પુરવઠો પૂરો થયો હતો.
ઈન્ટરનેશનલ કોર્ટમાં રશિયા અને યુક્રેન આમને સામને!
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં રશિયા અને યુક્રેન આમને-સામને આવ્યા હતા. યુક્રેનનો આરોપ છે કે રશિયા વર્ષોથી યુક્રેનિયન અલગતાવાદીઓને સમર્થન આપી રહ્યું છે, જેના કારણે યુક્રેનમાં હુમલા થાય છે. આ સમગ્ર મામલે હેગમાં બંને દેશોએ પોતાના પક્ષમાં દલીલો કરી હતી. સુનાવણી દરમિયાન, યુક્રેને રશિયાને આતંકવાદી દેશ ગણાવ્યો હતો અને તેના સમર્થિત અલગતાવાદીઓ પર 2014 માં મલેશિયન એરલાઇનરને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. ફેબ્રુઆરી 2022 માં શરૂ થયેલા યુદ્ધ પછી પ્રથમ વખત યુક્રેન અને રશિયાના વકીલો એકબીજાની સામે દેખાયા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ટ્રાયલ, જેમાં તે ચલાવવામાં આવી રહી છે, તે યુદ્ધના 5 વર્ષ પહેલા નોંધવામાં આવી હતી. 2022માં થયેલા હુમલા બાદ યુક્રેને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં રશિયા વિરુદ્ધ ઘણા વધુ કેસ પણ દાખલ કર્યા છે.