વોર્ડ નં.9માં રૂ.15.43 કરોડના ખર્ચે 22 એમએલડી ક્ષમતાનો અને વોર્ડ નં.11માં રૂ.21.46 કરોડના ખર્ચે 40 એમએલડી ક્ષમતાનો ડબલ્યૂ ટીપી બનશે
શહેરીજનોને પીવાનું શુદ્વ પાણી મળી રહે તેવા હેતુ સાથે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. હાલ રૈયાધાર અને જેટકો ચોકડી પાસે 50-50 એમએલડી ક્ષમતાના ડબલ્યૂ ટીપીનું કામ પૂર્ણતાના આરે છે. દરમિયાન હવે કોર્પોરેશનની હદમાં ભળેલા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને પર્યાપ્ત માત્રામાં અને શુદ્વ પાણી મળી રહે તે માટે વોર્ડ નં.9 અને 11માં કરોડો રૂપિયાના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ માટે ટેન્ડર પણ પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વર્ષ-2020માં કોર્પોરેશનની હદમાં મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુરા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે આ ગામમાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કોર્પોરેશને વિકાસ કામોનો ધમધમાટ શરૂ કર્યો છે. જે અંતર્ગત હવે શહેરના વોર્ડ નં.9માં રૂ.15.43 કરોડના ખર્ચે 22 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.11માં રૂ.21.46 કરોડના ખર્ચે 40 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં એજન્સી દ્વારા ઓફર આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ટેન્ડર મંજૂર કરાયા પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરના રૈયાધાર અને જેટકો વિસ્તારમાં 50-50 એમએલડીની ક્ષમતાના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યા છે.