- વન વિભાગે દેરડો ડુંગરમાં 75 વડના ઝાડને ટપક સિંચાઈ પધ્ધતિથી ઉછેર્યા: વનકુટીર પક્ષી ચબુતરો બનાવાયો
સમગ્ર વિશ્વમાં પાંચમી જુનની ’વિશ્વ પર્યાવરણ’ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ’બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ વૃક્ષારોપણ પર્યાવરણના જતનનો એક મહત્વનો ભાગ છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગત વર્ષે સમગ્ર રાજ્યમાં ’નમો વડ વન’નું ઝુંબેશ સ્વરૂપે નિર્માણકાર્ય શરૂ થયું હતું. આ આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ બે સ્થળો પર વન વિભાગ દ્વારા ’નમો વડ વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પૈકી સામાજિક વનીકરણ રેન્જ, લાઠી હેઠ
ળ સામાજિક વનીકરણ વિભાગ અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના દેરડી જાનબાઈ ખાતે આવેલા દેરડો ડુંગરના પરિસરમાં ’નમો વડ વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. વનવિભાગ દ્વારા આ નમો વડ વનમાં આકરી મહેનતથી 75 વડના ઝાડને ટપક સિંચાઈ પદ્ધતિથી ઉછેરવામાં આવી રહ્યા છે, વધુમાં પ્રવાસીઓની સુવિધા માટે વન કુટીરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ અહીં બેસીને પહાડોનું કુદરતી સૌદર્ય માણી શકે છે અને વિસામો લઈ નિરાંતની પળો માણી શકે છે. અહીં દેરડો ડુંગર પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું હોવાથી આસપાસના ચાર ગામના રહેવાસીઓ માટે આ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે. પ્રકૃતિના જતન માટે તૈયાર કરવામાં આવેલા વડના વનથી અહીં પર્યાવરણ-પ્રવાસન-પ્રકૃતિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે પણ આનંદ લઈ શકાય તેવા સ્થળનું નિર્માણ ગત વર્ષે જ સંપન્ન થયું છે. આ જગ્યાના નિર્માણ વિશે માહિતી આપતા લાઠીના રેન્જ ફોરેસ્ટ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું કે, અહીં પથ્થરોની સર્ફેસ ખૂબ જ કઠણ હોવાથી ખોદકામ દરમિયાન સમસ્યાઓ સર્જાઈ હતી.જો કે, ગ્રામજનોના સહકારથી અમે આ કાર્ય સારી રીતે પાર પાડ્યું. અહીં ટપક સિંચાઈ પદ્ધતિથી વડના 75 ઝાડનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તમામ વડને સંરક્ષિત રાખવા પીંજરા મૂકવામાં આવ્યા છે.
આ ’નમો વડ વન’નું નિર્માણ ગત વર્ષે મે-જુન મહિનામાં શરુ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા વન મહોત્સવ દરમિયાન વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા અહીં પર્વત ફરતે પરિક્રમા પથ પર પણ પેવર બ્લોક પાથરી આપવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને તેનો ફાયદો થયો છે.
અમરેલી સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક એમ.યુ.શેખે જણાવ્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ’નમો વડ વન’ દ્વારા લોકોમાં પર્યાવરણ જાળવણી બાબતે જાગૃત્તિ આવી છે. લોકો પ્રકૃતિમાં વડના યોગદાનને જાણી શકે તે માટે માહિતી આપતું એક બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. મંદિરે આવતા શ્રદ્ધાળુઓ મંદિર સાથે વડ વનની પણ પ્રદક્ષિણા કરે છે. સરકારશ્રીની આ યોજનાના કારણે લોકો વડનું વૃક્ષારોપણ કરવા માટે જાગૃત્ત બની રહ્યા છે.
વડનું મહત્વ
વડનું પર્યાવરણ સાથે ધાર્મિક અને ઔષધીય મહત્ત્વ પણ ખૂબ જ છે. બોટનીકલ ઓળખાણ ઋશભીત બયક્ષલવફહયક્ષતશત એટલે કે વડના મૂળ જમીમાં દૂર દૂર સુધી ફેલાયેલા હોય છે. વડના ઔષધીય મહત્ત્વ મુજબ, એક વડ વૃક્ષનાં પાંદડા એક કલાકમાં 05 મીલી લીટર જેટલું ઑક્સિજન છોડે છે. વડનું વૃક્ષ દિવસમાં 20 કલાકથી વધારે સમય જેટલું ઑક્સિજન આપે છે. વડનાં પાંદડાઓમાંથી નિકળતું સફેદ દૂધ જેવું પ્રવાહી ઈજા અને દુ:ખાવા અને સોજા પર માલિશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરેલું ઉપચાર તરીકે હળદર સાથે વડનું દૂધ જેવું પ્રવાહી મિક્સ કરીને તેનો ઘાવ પર પણ પ્રયોગ કરવામાં આવતો હોય છે.