- સેન્સેકસમાં 317 પોઇન્ટ, નિફટીમાં 86 પોઇન્ટ અને બેન્ક નિફટીમાં 243 પોઇન્ટનો ઉછાળો
શેરબજાર ટનાટન હોવાથી વિદેશી રોકાણકારો ફરી આકર્ષાયા છે. તેઓએ મે મહિનામાં અધધધ રૂ. 43 હજાર કરોડ ઠાલવ્યા છે. બીજી તરફ આજે સેન્સેકસમાં 317 પોઇન્ટ, નિફટીમાં 86 પોઇન્ટ અને બેન્ક નિફટીમાં 243 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.
ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો એ મે મહિનામાં ભારતીય શેરબજારમાં રૂ. 43,838 કરોડનું રોકાણ કર્યું હતું, જે છેલ્લા 9 મહિનામાં સૌથી વધુ છે. ડિપોઝિટરી ડેટા મુજબ, એફપીઆઈ એ જૂનમાં પણ રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું અને મહિનાના પ્રથમ બે ટ્રેડિંગ દિવસોમાં શેરબજારમાં રૂ. 6,490 કરોડનું રોકાણ કર્યું હતું. નિષ્ણાંતો માને છે કે આ મહિને પણ એફપીઆઈ તરફથી રોકાણ ચાલુ રહેશે. જીડીપીના આંકડાઓ સાથે અન્ય સૂચકાંકો ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત થવાના સંકેત આપી રહ્યા છે.
ડેટા અનુસાર, એફપીઆઈ એ મે મહિનાના સમગ્ર મહિના માટે ભારતીય શેરોમાં ચોખ્ખી રૂ. 43,838 કરોડનું રોકાણ કર્યું હતું. છેલ્લા નવ મહિનામાં એફપીઆઈ તરફથી રોકાણનો આ સૌથી વધુ આંકડો છે. અગાઉ એફપીઆઈએ ઓગસ્ટ 2022માં રૂ. 51,204 કરોડનું રોકાણ કર્યું હતું.
શેરોમાં એફપીઆઈ રોકાણ એપ્રિલ 2023માં રૂ. 11,630 કરોડ અને માર્ચમાં રૂ. 7,936 કરોડ હતું. માર્ચના રોકાણ પાછળનું મુખ્ય કારણ યુએસ સ્થિત જીક્યુજી પાર્ટનર્સ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરાયેલું રોકાણ હતું. જો અદાણી ગ્રૂપમાં જીક્યુજીનું રોકાણ દૂર કરવામાં આવે તો માર્ચનો આંકડો પણ નેગેટિવ થઈ જશે. નેગેટિવ એટલે કે એફપીઆઈ એ માર્ચમાં અદાણી ગ્રૂપનું રોકાણ હટાવીને ભારતીય શેરબજારમાંથી નાણાં પાછાં ખેંચી લીધાં હતાં.
આ સિવાય આ વર્ષના પ્રથમ બે મહિનામાં એફપીઆઈએ રૂ. 34,000 કરોડથી વધુ રકમ ઉપાડી છે. સ્ટોક્સ ઉપરાંત, એફપીઆઈ એ પણ મે મહિનામાં ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 3,276 કરોડનું રોકાણ કર્યું છે. આમ 2023 માં, એફપીઆઈએ ભારતીય શેરબજારોમાં રૂ.35,748 કરોડ અને બોન્ડ માર્કેટમાં રૂ. 7,471 કરોડનું રોકાણ કર્યું છે.