- છાશવારે થઇ જતા હોવાના કારણે ટિકિટ નીકળતી નથી આજે સવારથી સમસ્યા: અધિકારીઓ અને એજન્સી ઉંધા માથે
રાજકોટ મહાનગરપાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડની સિટી બસ સેવા છેલ્લા ચારેક દિવસથી સર્વરના પાપે ડચકા ખાય રહી છે. ટિકિટ મશીનમાં ખોટકો સર્જાવાના કારણે ટિકિટ નીકળતી નથી. જેના કારણે આજે સવારે બસ સેવા ખોરવાઇ જવા પામી હતી. જેના કારણે મુસાફરોએ મુસીબત વેઠવી પડી હતી. સર્વરની સમસ્યા હલ કરવા માટે સવારથી ઇડીપી શાખાના અધિકારીઓ અને એજન્સીના માણસો ધંધે લાગ્યા છે.
સિટી બસની ટિકિટ ફાટે કે તરંત તેની નોંધણી કંટ્રોલરૂમ ખાતે થઇ જાય તે માટે કોર્પોરેશન દ્વારા ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ અને વ્હીકલ પ્લાનિંગ શિડ્યુલીંગ ડીસપેચ સિસ્ટમનો સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે. ફેર કલેક્શનનો કોન્ટ્રાક્ટ બીએસએનએલની એમનેક કંપનીને આપવામાં આવ્યો છે. સિસ્ટમ અપડેશનના કારણે વારંવાર સર્વર ડાઉન થઇ જાય છે. જેના કારણે સિટી બસમાં ટિકિટ મશીનો કામ કરતા બંધ થઇ જાય છે અને ટિકિટ નીકળતી નથી. ત્રણ દિવસ પહેલા બપોરના સમયે અચાનક સર્વર ડાઉન થવાના કારણે સિટી બસ સેવા ખોરવાઇ જવા પામી હતી. દરમિયાન આજે ફરી એક વખત સવારે સર્વરના કારણે સિટી બસમાં મુસાફરોની ટિકિટ નીકળતી ન હતી. જેના કારણે ત્રિકોણબાગ ખાતે સિટી બસના થપ્પા લાગી ગયા હતા. જો કે, હાલ વેકેશન ચાલુ રહ્યું હોવાના કારણે સવારના સમયે ઓછું ટ્રાફિક રહેતું હોય વધુ કોઇ સમસ્યા ઉભુ થવા પામી ન હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સર્વરનો પ્રોબ્લેમ છે. થોડીવાર માટે નેટવર્ક આવે છે અને થોડી-થોડી વારે નેટવર્ક જતું રહે છે. જેના કારણે સિટી બસ ડચકા ખાય રહી છે અને મુસાફરોએ હેરાનગતી વેઠવી પડે છે. ઇડીપી શાખાના અધિકારીઓ અને એમ.ટેક. કંપનીની ટીમ સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સતત મથી રહ્યા છે. પરંતુ બપોર સુધી પ્રોબ્લેમ યથાવત છે.