ત્રણ માસ પહેલા યુવાનને માર માર્યો હતો: ગઇ કાલે ફરી લાકડી વડે હુમલો કરી ફાયરિંગ કર્યાના આક્ષેપ
ગોંડલના વોરા કોટડામાં મોડી રાત્રે ખનીજ ચોરીની અરજી કર્યાનો ખાર રાખી કાકા ભત્રીજા સહિત સાત વ્યક્તિ પર ધોકાભાઈથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઘવાયેલા ચારેય વ્યક્તિને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલે સારવારમાં રહેલા લોકોએ હુમલાખોરોએ ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.આ મામલે ગોંડલ પોલીસે ફરિયાદ લેવા કાર્યવાહી કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના વોરા કોટડા વિસ્તારમાં રહેતા ચિરાગ ગિરધરભાઈ ભાસા(ઉ.વ.22), સુધીર અરવિંદભાઈ બગડા (ઉ.વ.16), જયેશ હરિ ભાસા(ઉ.વ.41), નરેશ હરિ ભાસા(ઉ.વ.34), દિવ્યેશ અમરશી ભાસા (ઉ.વ.25), રતિલાલ રવજીભાઈ ભાસા (ઉ.વ.21) અને રાજેશ ભલા બગડા (ઉ.વ.21) બધા રાત્રીના સમયે પોતાના ગામમાં ગેઇટ પાસે હતા ત્યારે કુંભા ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકા પાઇપ વડે હુમલો કરતા ચારેયને માથા પર અને હાથે પગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર ગોંડલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મામલે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને બનાવની જાણ કરતા તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.
આ અંગે ઘવાયેલાઓએ જણાવ્યું હતું કે, તેઓ તમામ ખેત મજૂરી કરે છે
અને ત્રણેક મહિના પૂર્વે વિજય રવજી ભાસાએ ખનીજ ચોરીની અરજી કરી હોય જેનું મનદુ:ખ રાખી આરોપી કુંભા ભરવાડ સાથે માથાકૂટ ચાલતી હતી. ત્રણ માસ પહેલા હુમલાખોરોએ વિજય ભાસાને પણ માર માર્યો હતો. જ્યારે ગઈકાલે બધા મોડી રાતે ગામમાં હતા ત્યારે આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને ઓચિંતો હુમલો કર્યો
હતો.
તેમજ ફાયરિંગ પણ કર્યું હોવાના આક્ષેપ કરતા ગોંડલ પોલીસે સાતેય વ્યક્તિના નિવેદન લેવા તજવીજ આદરી હતી.