શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા,વાતાવરણમાં ઠંડક પ્રસરી: સૌરાષ્ટ્રભરમાં અસહ્ય ઉકળાટનો અહેસાસ
દેશના એક પણ ખૂણામાં હજી નૈઋત્યનું ચોમાસું બેસ્યુ નથી હવે ચોમાસાના સતાવાર આગમનની ઘડીઓ ગણાય રહી છે.
ત્યારે ગઈકાલે શુક્રવારે બપોરે 41 ડિગ્રી તાપમાનમાં સેકાતા ભાવનગરમાં સમી સાંજે બે કલાકમાં અનરાધાર ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ.
નીચાણ વાલા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાય ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અસહ્ય ઉકળાટ અનુભવાય રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે.
દરમિયાન આગામી સોમવારથી અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાશે. 7 થી 11 જૂન દરમિયાન રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી.
ગઈકાલે સૌરાષ્ટ્રનું ભાવનગર 41 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતુ. 41 ડિગ્રી તાપમાનમાં ત્રાહિમામ પોકારી ગયેલા ભાવનગરવાસીઓનેસમી સાંજે થોડી ટાઢક મળી હતી. સાંજના છ વાગ્યે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી આવ્યા હતા બે કલાકમાં સાંબેલાધારે અઢી ઈંચ વરસાદ વરસી જવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બેકલાકમાં અઢી ઈંચ સાથે કુલ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાય ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાપામી હતી.
ભાવનગર ઉપરાંત કડી, જોટાણા, ઘોઘા, અને વલ્લભીપૂરમાં હળવા ઝાપટા પડયા હતા.
ગઈકાલે રાજયમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો.
ભાવનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતુ. રાજકોટનું તાપમાન 40.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 39.8 ડિગ્રી અમરેલીનું તાપમાન 39.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 39.4 ડિગ્રી અને ભૂજનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતુ. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
અરબી સમુદ્રમાં સાયકલોનિક સરકયુલેશન સર્જાશે: 7 થી 11 જૂન વરસાદની આગાહી
દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહેશે: અમુક સ્થળોએ વાવણીલાયક વરસાદની પણ સંભાવના
નૈઋત્યનું ચોમાસુ આવતીકાલ કેરળમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે. દરમિયાન 15 થી 17 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું સતાવાર આગમન થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં આગામી પાંચમી જૂને સાયકલોનીક સરકયુલેશન સર્જાશે જેની અસર તળે 7 થી 11 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેેશે રાજયના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ વરસી જશે. રાજયમાં પ્રિ-મોનસુન એકિટીવીટી શરૂ થઈ જવા પામી છે. ગઈકાલે ભાવનગરમાં સીબી ફોર્મેશનના કારણે બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આગામી દિવસોમાં 30 થી 40 કિ.મી.ના ઝડપે પવન ફૂંકાશે.