- પતિ સાથે ઝઘડો થતા પત્નીએ કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લીધી: બચાવવા જતાં પતિ પણ દાઝયા
પોરબંદરના મંડીર ગામે રહેતા વૃદ્ધ દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પત્નીએ કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી આપઘાત કરી લીધો હતો. જ્યારે પત્નીને બચાવવા ગયેલા પતિ પણ દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના મંડેર ગામે રહેતા ભનીબેન બચુભાઈ મોકરીયા (ઉ.વ.૭૦) અને તેમના પતિ બચુભાઈ લાખાભાઈ મોકરીયા (ઉ.વ.૬૫) એ પોતાની જાતે કેરોસીન છાંટી પોતાની જાતે સળગી જતા પ્રથમ પોરબંદર અને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ભનીબેન મોકરીયાનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં ભનીબેને મોકરીયાએ પોતાની જાતે કેરોસીન છાંટી આગ ચાપી લીધી હતી અને પત્નીને બચાવવા જતા બચુભાઈ મોકરીયા પણ દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે અને હાલ બચુભાઈ મોકરીયા સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માધવપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.