- વર્ષ-2021-2022ની ગ્રાન્ટના રૂ.7.61 કરોડ ફાળવી દેવાયા જ્યારે વર્ષ-2022-2023ની જનભાગીદારીના 179 કામો માટે રૂ.17.44 કરોડ મંજૂર
તાજેતરમાં મેયર ડો.પ્રદિપભાઇ ડવ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ કોર્પોરેટરોને જનભાગીદારીના કામો ફાળવાતી ગ્રાન્ટ સમયસર ફાળવી દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આ અંગે બે દિવસ પૂર્વે ટેલિફોનિક ઉઘરાણી પણ કરવામાં આવી હતી. દરમિયાન સરકાર દ્વારા જનભાગીદારીની ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે જનભાગીદારીના કામો માટે 70 ટકા હિસ્સો રાજ્ય સરકારનો, 20 ટકા ફાળો કોર્પોરેટરની ગ્રાન્ટનો અને 10 ટકા હિસ્સો કોર્પોરેશનનો રહે છે. સમયસર જનભાગીદારીની ગ્રાન્ટ ન મળવાના કારણે વિકાસકામો ખોરંભે ચડે છે. વર્ષ-2021-2022માં જનભાગીદારીના 328 કામો સરકાર સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા.
જે પૈકી 244 કામો મંજૂર કરાયા હતા અને 84 કામ બાકી રાખી દેવામાં આવ્યા હતા. જેમાં 70 ટકા મુજબ સરકારના હિસ્સાની રકમ રૂ.22.78 કરોડ જેવી થવા પામતી હતી. જે પૈકી સરકાર પાસેથી 7.61 કરોડ બાકી લેવાના નીકળતા હતા. જે તાજેતરમાં ચૂકવી દીધા છે. જ્યારે વર્ષ-2022-2023માં 179 કામોની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરાઇ હતી. જેમાં રાજ્ય સરકારનો હિસ્સો 17.44 કરોડ થતો હતો. વર્ષ વિતી જવા છતાં જનભાગીદારના કામો માટે ગ્રાન્ટની ફાળવણી ન કરાતા બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને મંજૂરી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ રકમ મળી જશે.