- અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર હંમેશા વિપક્ષના નિશાના પર રહી, પરંતુ હવે 2022-23ના જીડીપીના આંકડા મોદી સરકાર માટે મજબૂત કવચ બન્યા
- આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગયા વર્ષે ડિસેમ્બરમાં આગાહી કરી હતી કે જો ભારતનો જીડીપી વૃદ્ધિ દર 5 ટકાના આંકને સ્પર્શે તો તે એક મોટી વાત હશે, પરંતુ આ દર 7.2 ટકા નોંધાયો
લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકીય પીચ તૈયાર કરી નાખી છે. કેન્દ્ર સરકારે 7.2 ટકાના જીડીપી હાંસલ કરવાની સાથે ભારતની અર્થવ્યવસ્થાને સૌથી ઝડપી બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ મુદ્દે ભાજપ હવે સેફ ઝોનમાં આવી ગયું હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.
2024ની લોકસભાની ચૂંટણી ઘણી રસપ્રદ બનવાની છે. કારણકે એક તરફ વિપક્ષ એક થવાની તૈયારી કરી રહ્યું છે.તો બીજી તરફ ભાજપ એકલા હાથે અર્થતંત્ર સહિતના મુદ્દે પોતાનું પ્રદર્શન પ્રજા સમક્ષ મૂકીને તેના જોરે ચૂંટણી લડવાનું છે. કર્ણાટકમાં જીતથી કોંગ્રેસ ઉત્સાહિત છે. વિપક્ષમાં એકતાનો પણ ઉત્સાહ છે. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના પ્રદર્શનમાં વિપક્ષ પણ પોતાના માટે તક શોધી રહ્યો છે. સરકારને ઘેરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા બોલ પર મોદી સરકાર દ્વારા મારવામાં આવેલ સિક્સર પણ ફાઇનલમાં વિજયનો જાદુ કરી શકે છે.
જીડીપી વૃદ્ધિનો આ સિક્સર છે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઉજવણીની વચ્ચે, 2022-23નો જીડીપી વૃદ્ધિનો વિસ્ફોટક આંકડો અર્થતંત્ર તેમજ સરકાર માટે બૂસ્ટર તરીકે કામ કરશે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 7.2 ટકાનો જીડીપી વૃદ્ધિ વિશ્વભરમાં અર્થતંત્ર અંગે વધતી ચિંતાઓ વચ્ચે ચોક્કસપણે એક મોટી સિદ્ધિ છે. ખાસ કરીને જ્યારે આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગયા વર્ષે ડિસેમ્બરમાં આગાહી કરી હતી કે જો ભારતનો જીડીપી વૃદ્ધિ દર 5 ટકાના આંકને સ્પર્શે તો તે એક મોટી વાત હશે.
મોદી સરકાર ચૂંટણી પહેલા છેલ્લા વર્ષમાં મજબૂત વિકાસ દરનો લાભ ઉઠાવવાના તમામ પ્રયાસો કરશે. આનાથી એ સુનિશ્ચિત થયું છે કે અર્થવ્યવસ્થા પર વિપક્ષના હુમલાઓમાં કોઈ ધાર દેખાતી નથી. અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર હંમેશા વિપક્ષના નિશાના પર રહી છે, પરંતુ આ આંકડા તેને વિપક્ષના હુમલાઓ સામે બચાવવા માટે મજબૂત કવચ આપવા જઈ રહ્યા છે. 2022 સુધીમાં માથાદીઠ આવક રૂ. 92,583 થી વધીને રૂ. 98,374 કરોડ થઈ. 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 6.1 ટકા હતી, જે અપેક્ષા કરતા વધારે છે. આ ક્વાર્ટરમાં 5.4 ટકા વૃદ્ધિનો અંદાજ છે. જો કે, 2022-23માં જીડીપી વૃદ્ધિનો આંકડો 2021-22ના 9.1 ટકાની સરખામણીએ 1.9 ટકા ઓછો છે. તેમ છતાં, વૈશ્વિક અંધકાર વચ્ચે આ આશાનું કિરણ છે. કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ જેવા કારણોને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ થંભી ગઈ છે. આવી સ્થિતિમાં ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું છે.
જીડીપી ગ્રોથના આંકડા આવવાના એક દિવસ પહેલા યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં છેલ્લા દાયકામાં ભારતના મેટામોર્ફોસિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અર્થતંત્રના મોરચે મોદી સરકારના કામ પર આ એક પ્રકારની મહોર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં ભારતનો કાયાકલ્પ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ભારત 2013ના ભારતથી અલગ છે. 10 વર્ષના ટૂંકા ગાળામાં ભારતે વિશ્વ વ્યવસ્થામાં સ્થાન હાંસલ કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એશિયામાં વૈશ્વિક વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકે ઉભરી આવશે. રિપોર્ટમાં મોદી સરકાર આવ્યા બાદ ભારતમાં આવેલા 10 મોટા ફેરફારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અર્થવ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. પરંતુ આંકડા અલગ ચિત્ર રજૂ કરી રહ્યા છે. ચોક્કસ આ આંકડાઓ ભાજપ માટે ટોનિક તરીકે કામ કરશે અને તેનો ફાયદો ઉઠાવવામાં તે કોઈ કસર છોડશે નહીં.
બીજી તરફ, ભારતીય રિઝર્વ બેંકએ નાણાકીય વર્ષ 2022-23 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે 2023-24 માટે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે જોખમો સમાનરૂપે સંતુલિત છે. આ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં 7 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. 2023-24માં ભારતની વૃદ્ધિની ગતિ સ્થિર રહેવાની સંભાવના છે, જ્યારે ફુગાવાના દબાણમાં ઘટાડો થવા છતાં વૈશ્વિક દૃષ્ટિકોણ પડકારોનો સામનો કરે છે, એમ આરબીઆઇએએ કહ્યું હતું.