- રેન બસેરામાં રહેતા મહારાષ્ટ્રીયન મહિલા બીમાર પડતા એક માસ સુધી સ્ટાફે કરી સારવાર
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્રસ્થાન પર છે. એટલું જ નહિ પરંતુ હવે એકલા અથવા તો નિ:સહાય આવતા દર્દીઓ માટે હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્કની ટીમે ફરી એકવાર માનવતાની મહેક છલકાવી નિ:સહાય વૃદ્ધાને પરિવારની હૂફ આપી હતી. આખરે વૃદ્ધા સાજા થઈ જતાં હેલ્પ ડેસ્કના સ્ટાફનો આભાર માન્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના અને અહીંયા રેન બસેરામાં રહેતા જયાબેન રમણીકભાઇ ચૌહાણ નામના ૮૫ વર્ષીય વૃદ્ધાને એક માસ પહેલા બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં કોઈ વાલી વારસ ન હોય તેથી હેલ્પ ડેસ્ક દ્વારા તેમની માવજત લેવામા આવી હતી. સતત એક માસ સુધી વૃદ્ધાની સારવાર અને સેવામાં કોઈ ખામી ન રાખતા આખરે તબીબોએ વૃદ્ધાને રજા આપતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
વૃદ્ધા જયાબેન ચૌહાણ બી.એસ.સી. સુધી ભણેલા છે. એટલું જ નહિ પરંતુ પોતે દેશ – વિદેશ પણ ગયેલા હોય જેથી સિવિલમાં તબીબો સ્ટાફ સાથે માત્ર અગ્રેજીમાં જ વાતચીત કરતા અને સૌ કોઈને ખુશખુશાલ રાખતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યાર બાદ વૃદ્ધા સ્વસ્થ થતાં તબીબે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા હવે વૃદ્ધા મોરબી ખાતે આવેલી ગૌશાળામાં જશે. એલ્ડર હેલ્પ લાઇન અને હેલ્પ ડેસ્કની મદદથી વૃદ્ધા ફરી સ્વસ્થ થતા મોરબી સુધી હેલ્પ ડેસ્કનો સ્ટાફ જશે.