દેવળીયા અને આંબરડી પ્રવાસીઓ માટે ખૂલ્લુ રહેશે
ગિરનાર અભ્યારણ અને ગીર નેશનલ પાર્કમાં વીહાર કરતા અને નિવાસ ધરાવતા ડાલા મથા સિંહ, સિંહણ સહિતના પરિવારો આગામી તારીખ 16 જૂનથી વેકેશન ઉપર જશે. જેના કારણે સફારી રૂટ 4 મહિના સુધી બંધ રહેશે, અને પ્રવાસીઓ આ સમય દરમિયાન સિંહ દર્શન કરી શકશે નહીં. જો કે, ચોમાસામાં સિંહોનું ભવન દેવડીયા આંબરડી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. દર વર્ષે વન વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆતની સાથે જ ગીર અભ્યારણ અને ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓના પ્રવાસ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.
કારણ કે, આ ચોમાસાના સમય દરમિયાન જંગલ વિસ્તારના જે રસ્તાઓ હોય છે તે વરસાદથી બિસ્માર થઈ જતા હોય છે. આ સાથે આ સમયગાળો સિંહનો સંવનનકાળ કહેવામાં આવે છે. અને ત્યારે ડાલા મથા સાવજ અને સિંહણ અલગ મિજાજમાં હોવાથી જો તેને છંછેડવામાં આવે કે ખલેલ પહોંચાડવામાં આવે તો ગમે ત્યારે કોઈ પણ પર હુમલો કરી શકે છે.
વન વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એશિયાટિક સિહોના એકમાત્ર નિવાસ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં 16 જુન થી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકશે નહીં, તથા ચોમાસાની સિઝનમાં સિંહ સહિત વન્યજીવો માટે સંવર્ણનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે. આ ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે.હવે વિદ્યાર્થીના વેકેશન પૂર્ણ થવાનાં આરે છે. તો બીજી તરફ સાસણ ગીરમાં સિંહનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. અને આગામી તા 16 જૂનથી સાસણ ગીરમાં સિંહનું વેકેશન શરૂ થવા જઈ રહી છે. જે વેકેશન ચાર મહિના સુધી ચાલશે. જેથી વેકેશનના ચાર માસ દરમિયાન સિંહ સહિતના પ્રાણીઓ નિરાંતે સંવનન કાળ ગાળશે અને આગામી દિવસોમાં આ સિંહ પરિવારમાં ખુશીના સમાચાર આવશે.